સંસદનું ચોમાસુ સત્રના આરંભના બે દિવસ પૂર્વે થંભી ગયેલો ભાવ વધારો
17મી જુલાઈ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નથી: રાજકોટમાં પેટ્રોલનો ભાવ 98.42 રૂપીયા અને ડીઝલનો ભાવ 96.61 રૂપીયા પ્રતિલીટર
સંસદનું ચોમાસુ સત્રના આરંભના 48 કલાક અગાઉ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારાનો સીલસીલો અટકાવી દેવામાં આવ્યો હતો જે આજે 14માં દિવસે પણ જારી છે. છેલ્લા બે પખવાડીયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક રૂપીયાનો પણ ભાવ વધારો કરવામાં ન આવતા વાહન ચાલકોને જબરી રાહત થવા પામી છે. બીજી તરફ રાજયમાં અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ સદી વધાવી ચૂકયા છે.
રોજ સુરજ ઉગતાની સાથે જ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો ઝીંકવામાં આવતો હતો દેશના અનેક રાજયોમાં પેટ્રોલના ભાવ સદી વટાવી ચૂકયા છે. સતત ભાવ વધારાના કારણે વાહન ચાલકોની રાહ બોલી જવા પામી છે. ઈંધણના ભાવ વધારાની ગુંજ સંસદમાં પણ સંભળાશે તેવી દહેશત ઉભી થતા દેશભરમાં આશ્ર્ચર્યજનક રીતે સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થવાના બે દિવસ પૂર્વે ભાવ વધારાને ડામી દેવામાં આવ્યો હતો.
ગત 17મી જુલાઈથી આજ સુધી એટલે કે છેલ્લા 14 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમા એક પૈસાનો વધારો થયો નથી. જેથી વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે. ચોમાસુ સત્ર પૂર્ણ થતાની સાથે જ ઓઈલ કંપનીઓ દ્વારા ફરી ભાવ વધારાના કોરડા વિંઝવાનું શરૂ કરી દેવામાં આવશે. હાલ રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 98.42 રૂપીયા અને ડીઝલનો ભાવ 96.61 રૂપીયા છે. જે છેલ્લા 14 દિવસથી યથાવત છે.