આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ૭૬.૭૧ ડોલર સાથે ત્રણ વર્ષની ટોચે

દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ફરી એક વખત ભાવ વધારાનો દોર શરૂ થયો છે, જેને પગલે બંને ઈંધણના ભાવ દરરોજ નવી વિક્રમી સપાટી બનાવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલમાં રવિવારે સતત ચોથા દિવસે પેટ્રોલમાં પ્રતિ લીટર ૨૫ પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો કરાયો હતો. જોકે, ટોચના સરકારી અધિકારીઓનું કહેવું છે કે સરકારી ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપવા માટે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાનો પૂરો બોજ તેમના પર નાંખ્યો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયા છે ત્યારે ભારતમાં બ્રિટન જેવી સ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સરકારી ઓઈલ કંપનીઓએ રવિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કર્યો હતો. જેને પગલે દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૧૦૨.૩૯ની નવી ટોચે પહોંચી ગયું છે. મુંબઈમાં પણ તેનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૮.૪૩ થયો છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ પણ રૂ. ૯૦.૭૭ની નવી વિક્રમી ટોચે પહોંચ્યા છે. મુંબઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૮.૪૮ થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૯.૧૮ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૭.૮૦ થયો છે.

પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરે કહ્યું કે સરકારી ઓઈલ કંપનીઓ પડતર કિંમત સાથે રીટેલ ભાવના તાલમેલનો જાતે જ નિર્ણય લઈ રહી છે, પરંતુ સાથે તેઓ એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે બજારમાં ભાવમાં વધારે પડતા ઉતાર-ચઢાવની સ્થિતિ સર્જાય નહીં. સરકાર પણ સ્થિતિ પર નજર રાખી રહી છે અને ક્રૂડ ઓઈલમાં વૈશ્વિક ઉતાર-ચઢાવની અસરને દેશમાં મર્યાદિત રાખવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસમાં ભારત દ્વારા આયાત કરાયેલા ક્રૂડ ઓઈલનો સરેરાશ ભાવ અંદાજે ત્રણ વર્ષની ટોચે પ્રતિ બેરલ ૭૬.૭૧ ડોલરના સ્તરે પહોંચી ગયો છે. સ્થાનિક સ્તરે ભાવ નિશ્ચિત થાય છે તે પેટ્રોલના આંતરરાષ્ટ્રીય ભાવ એક જ દિવસમાં પ્રતિ બેરલ ૮૫.૧૦ ડોલરથી વધીને ૮૭.૧૧ ડોલર થયો છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ બેરલ ૮૫.૯૫ ડોલરથી વધીને ૮૭.૨૭ ડોલર થયો છે.

અન્ય એક અધિકારીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં અચાનક આવેલી તેજી અને વૈશ્વિક સ્તર પર ઉત્પાદનમાં અવરોધો સર્જાતા રિટેલ ભાવમાં વધારો જરૂરી બની ગયો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં થયેલા વધારાનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાંખવામાં નથી આવ્યો. વૈશ્વિક સ્તરે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેના કરતાં ભારતમાં વધુ સારી સ્થિતિ છે. બ્રિટનમાં તો પેટ્રોલ પંપો ખાલી થઈ ગયા છે. ભારતમાં તમને આવી સ્થિતિ જોવા નહીં મળે.

તેમણે કહ્યું કે એલપીજીના ભાવ છેલ્લા એક મહિનામાં ૭૭૫ ડોલરથી ૭૯૭ ડોલર થઈ ગયા છે, પરંતુ પેટ્રોલિયમ કંપનીઓએ તેનો પૂરો બોજ ગ્રાહકો પર નથી નાંખ્યો. એક સપ્તાહથી ઓછા સમયમાં પેટ્રોલના ભાવમાં આ પાંચમો વધારો છે. તેનાથી દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે. આ જ રીતે ૧૦ દિવસમાં ડીઝલના ભાવમાં આઠ વખત વધારો કરાયો છે.

તેનાથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ તથા તેલંગાણાના અનેક શહેરોમાં ડીઝલ પણ પ્રતિ લીટર રૂ. ૧૦૦ની સપાટીને વટાવી ગયું છે. સરકારી ઓઈલ કંપનીઓએ ૨૪મી સપ્ટેમ્બરથી ઈંધણના ભાવમાં ફરી સંશોધન શરૂ કર્યું છે. ૨૪મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલ પ્રતિ લીટર રૂ. ૨.૧૫ મોંઘું થયું છે જ્યારે પાંચ વખતના ભાવવધારા સાથે પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૧.૨૫ મોંઘું થયું છે.જુલાઈ અને ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટયા પછી દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર ૬૫ પૈસા અને ડીઝલ પ્રતિ લીટર ૧.૨૫ રૂપિયા સસ્તા થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.