પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો: રાજયમાં પેટ્રોલના ભાવ સદી ભણી

પેટ્રોલીયમ પેદાશોમાં એકધારો ભાવ વધારો ચાલુ છે. કોરોના કાળમાં પણ સરકાર દેશવાસીઓને રાહત આપવાના બદલે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો કરી રહી છે. જેના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. આજે પણ પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર 34 પૈસા અને ડીઝલની કિંમતમાં 16 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. રાજયનાં મહાનગરોમાં પેટ્રોલના ભાવ સદી ભણી આગેકૂચ કરી રહ્યા છે.

સતત ભાવ વધારાના કારણે જનતામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. છતા સરકાર મચક આપવાનું નામ લેતી નથી. છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. રોજ સુરજ ઉગેને ભાવ વધારો કરવામાં આવે છે. રાજયમાં પ્રિમીયમ પેટ્રોલના ભાવ તો પખવાડીયા પૂર્વે જ 100 રૂપીયાને પાર થઈ ગયાછે. દરમિયાન રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ સદી ફટકારવા ભણી આગળ વધી રહી છે. આજે પેટ્રોલની કિંમતમા 34 પૈસાનો વધારો ઝીંકવામાં આવતા રાજકોટમાં પેટ્રોલના એક લીટરનો ભાવ 98.13 રૂપીયાએ પહોચી જવા પામ્યો હતો.

જયારે ડીઝલની કિંમતમાં 16 પૈસાનો વધારો કરવામાં આવતા પ્રતિ એક લીટર ડીઝલનો ભાવ 96.61 રૂપીયાએ પહોચી જવા પામ્યો હતો. આવતા સપ્તાહે રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપીયાને પાર થઈ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

પેટ્રોલીયમ પેદાશોમાં સતત ભાવ વધારાના કારણે રાજય તથા કેન્દ્ર સરકારની ટેકસની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. છતા ટેકસની ટકાવારી ઘટાડી સરકાર જનતાને રતીભાર પણ રાહત આપતી નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાના કારણે મોંઘવારા પણ આસમાને આંબી છે. ભાવ વધારા સામે જનતામાં સરકાર સામે ભારોભાર રોષ છે. અને વિરોધ પક્ષ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. છતા સરકારના પેટનું પાણી પણ હલતુ નથી. દિવસ ઉગતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.