ઈંધણના ભાવિને ધ્યાનમાં રાખી એકસાઈઝ ડ્યુટી વધારાઈ
વૈશ્ર્વિક સ્તરે કોરોના વાયરસને ઈફેકટ અને સાઉદી અરેબીયા તથા રશિયા વચ્ચેના ક્રુડ વોરના કારણે વર્તમાન સમયે ક્રુડના ભાવ નીચેની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. ક્રુડના ભાવ વૈશ્ર્વિકસ્તરે ઓછા હોવાથી ભારત સરકારે ક્રુડનો સ્ટોક બફર કરવાનો નિર્ણય લીધો છે. સ્ટોક બફર કરવાની સાથે એક્સાઈઝથી દેશની તિજોરીમાં આવક થાય તે ધ્યાન રાખવામાં આવી છે.
એકસાઈઝ ડયુટીમાં વધારો થતાં પેટ્રોલ અને ડિઝલમાં લીટરે રૂા.૩ સુધીનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં સમયાંતરે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડો રૂા.૩ સુધીનો હતો. ઈંધણમાં ભાવના ઘટાડાના પગલે લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ હવે સરકારે એકસાઈઝ ડયૂટી વધારી પેટ્રોલ-ડિઝલ રૂા.૩ સુધી મોંઘુ કરતા લોકો મુંજાયા છે. વર્તમાન સમયે ક્રુડના ભાવ તળીયે બેઠા છે. આગામી સમયમાં ક્રુડના ભાવમાં રિકવરી આવશે અને ફરીથી વધશે જે ધ્યાને રાખી સરકારે અત્યારથી બફર સ્ટોક કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ એકસાઈઝ ડયુટી વધારી છે જેના લીધે રૂા.૩ સુધીનો વધારો થયો છે.