૧૨ પાસને રૂ.૩ હજાર, ગ્રેજયુએટને રૂ.૪ હજાર, પોસ્ટ ગ્રેજયુએટને રૂ.૪.૫ હજાર અને સરપંચોને રૂ.૫ હજાર હાથ ખર્ચી અપાશે: રાજકોટમાં વહિવટીય સચિવાલય બનાવાશે: પત્રકાર પરિષદમાં બાપુએ કર્યો વાયદાઓનો વરસાદ
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને વિદાય આપ્યા બાદ જન વિકલ્પ પાર્ટીની રચના કરી છે. ૨૧મી સપ્ટેમ્બરથી જન વિકલ્પનાં કેમ્પેઈનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ૨જી ઓકટોબરે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
જેમાં બાપુએ ૬ હજાર કિ.મી.નો ગુજરાત પ્રવાસ ખેડયો હતો. જે અંતર્ગત બાપુએ રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી અને વાયદાઓ કર્યા હતા.
બાપુએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેઓએ સૌરાષ્ટ્રનાં સરપંચો સાથે મીટીંગ કરી હતી. જેમાં તેઓએ જન વિકલ્પની સરકાર આવશે તો તમામ સરપંચોને માસિક ૫ હજાર હાથ ખર્ચી આપવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જન વિકલ્પની સરકાર આવશે તો પંચાયતમાં બીલ પાસ કરવાની જુની પધ્ધતિનો અમલ કરાશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રની પ્રજાને ગાંધીનગરના આંટાફેરા આકરા લાગે છે માટે જન વિકલ્પ રાજકોટમાં વહિવટીય સચિવાલય બનાવશે.
સમયાંતરે સૌરાષ્ટ્રમાં કેબીનેટ પણ મળશે. આમ સૌરાષ્ટ્રની પ્રજાની સુખાકારી માટે જન વિકલ્પ હંમેશા તત્પર રહેશે.
ખેત પેદાશોનાં ભાવ અંગે તેઓએ જણાવ્યું કે, જૂનાગઢ અને કેશોદમાં મગફળી અને કપાસનાં ભાવ અંગે ખેડૂતોને હાડમારી સર્જાય છે. બાપુએ ભુતકાળમાં ખેડૂતોને ખેત પેદાશોનાં સંતોષકારક ભાવ આપ્યા હતા. જન વિકલ્પની સરકાર આવશે તો ખેડૂતોને ફરી સંતોષકારક ભાવ અપાશે. ગુજરાતમાં ૪૦ લાખ જેટલા બેરોજગારી છે. જન વિકલ્પની સરકાર ૧૨ પાસ વિદ્યાર્થીને માસિક રૂ.૩ હજાર, ગ્રેજયુએટને રૂ.૪ હજાર અને પોસ્ટ ગ્રેજયુએટને રૂ.૪.૫ હજાર હાથ ખર્ચી આપશે. ૧૦ લાખ લોકોને નોકરી સહેલાઈથી આપી શકાય છે. માત્ર નોકરી આપવાની દાનત હોવી જોઈએ.
વધુમાં તેઓએ જીએસટી અંગે જણાવ્યું હતું કે, વેપારીઓ અને સામાન્ય લોકો જીએસટીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એવો કોઈ કાયદો ન હોવો જોઈએ કે જેનાથી લોકોને હાલાકી વેઠવી પડે. રોટી, કપડા અને મકાન પર જીએસટી ન લગાડવો જોઈએ.
સરકારે દોઢ વર્ષ સુધી જીએસટી બંધ રાખવો જોઈએ જેથી નોટબંધીને લીધે જે નુકશાન થયું છે તે બેવડાઈ ન જાય. સરકારે કાર્યક્રમોમાં ઓછા ખર્ચા કરવા જોઈએ જેથી જીએસટીની આવક બંધ થવાથી નુકશાની ન થાય. સરકાર જે વસ્તુમાંથી વધુ કમાય છે તે વસ્તુ પર જીએસટી લાગુ પાડવામાં નથી આવ્યો. સરકારે જે વસ્તમાંથી કમાણી નથી કરી શકતી તે વસ્તુને જીએસટીમાં સમાવી લેવામાં આવી છે. આવા નિયમો યોગ્ય ન ગણાય.
વધુમાં તેઓએ જણાવ્યું કે જન વિકલ્પની સરકાર આવશે તો ૧ મહિનામાં જ પેટ્રોલ, ડિઝલ અને ગેસ ઉપર ૧૦ ટકા જેટલો વેટ ઓછો કરાશે.
સરકારને એટલું જ કહેવા માંગુ છું કે ચૂંટણીલક્ષી જાહેરાત ન કરવી જોઈએ. અંતમાં તેઓએ ટીપી સ્કીમમાં ૩૦ ટકાથી વધુ કપાત ન હોવું જોઈએ અને હાલ ટીપી સ્કીમો ભ્રષ્ટાચારનો અડ્ડોબની ગઈ હોવાનું જણાવ્યું હતું.