૨૦૧૩ની સરખામણીએ પેટ્રોલ ઉપર ૧૦૫ ટકા ટેકસ વસુલતી મોદી સરકાર: ડીઝલ પર પણ ૩૩૧ ટકાનો કરબોજ
છેલ્લા ૨ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલીયમ સેકટરની આવક ટેકસ થોપી-થોપી બે ગણી કરી
પેટ્રોલ-ડિઝલના ભાવ સર્વોચ્ચ સપાટીને વટાવી ચૂકયા છે. ઈંધણના ભાવમાં થઈ રહેલા વધારાએ સામાન્ય અને મધ્યમવર્ગીય વ્યક્તિની કમ્મર તોડી નાખી છે. રાજકોટ સહિત ગુજરાતમાં પેટ્રોલનો ભાવ ૮૦ રૂપિયાને પાર થઈ ચૂકયો છે. તા.૧૩ મે બાદ આજ સુધી એક પણ દિવસ એવો નહોતો વિત્યો જયારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ન થયો હોય. મોદી રાજમાં સતત ૧૦માં દિવસે પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારા છતાં વિપક્ષ વામણો પુરવાર થઈ રહ્યો છે.
હજુ સુધી યોગ્ય વિરોધ કરવામાં આવ્યો નથી. અહીં મોદી સરકાર પેટ્રોલ ડિઝલના ભાવ વધારા પાછળ ક્રુડના ભાવનો વધારો થયો હોવાનો પાંગળો બચાવ કરી રહી છે. પરંતુ મોદી શાસનમાં ઈંધણ પરના ટેકસ સર્વોચ્ચ સપાટી પર હોવાની વાત હકીકત છે. ઈંધણ પરનો ટેકસ વધારી કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલીયમ સેકટરમાંથી આવક બે ગણી કરી છે. ૨૦૧૪-૧૫માં કેન્દ્ર સરકારને પેટ્રોલીયમમાંથી ૧.૩ લાખ કરોડની આવક મળતી હતી. જે ૨૦૧૬-૧૭માં ૧૧૭ ટકા વધીને ૨.૭ લાખ કરોડે પહોંચી ગઈ છે.
આ પ્રકાણે રાજય સરકારની આવકમાં પણ ૧૮ ટકા જેટલો વધારો થઈ ગયો છે. કેન્દ્ર સરકારે ડિઝલ પરના ટેકસમાં ૩ ગણો અને પેટ્રોલ પરના ટેકસમાં બે ગણો વધારો ઝીંકી દીધો છે. વર્ષ ૨૦૧૩ની સરખામણીએ હાલ પેટ્રોલના ભાવ ઓછા હોવા જોઈએ. આ પ્રકારે જોઈએ તો ૨૦૧૩માં ડિલરે ૭૬.૧ રૂપિયા લીટર પેટ્રોલમાંથી ૧.૭૯ રૂપિયા કમિશન મળતું હતું. રાજયનો ટેકસ ૧૨.૬૮ રૂપિયા હતો. કેન્દ્રનો ટેકસ ૯.૪૮ રૂપિયા હતો.
જયારે ડિલરને પેટ્રોલ રૂ.૫૨.૧૫માં પડતું હતું. હવે મોદી શાસનમાં જોઈએ તો ડિલરને રૂ.૩.૬૨ ટકા કમિશન મળે છે. રાજય સરકારને ૧૬.૨૯ રૂપિયા ટેકસ જાય છે. કેન્દ્ર સરકારને ૧૯.૪૮ રૂપિયા ટેકસ જાય છે જે ૨૦૧૩ કરતા ૧૦૫ ટકા વધારે છે. જયારે ડિલરને પેટ્રોલ ૩૭.૨૨ પૈસામાં પડે છે જે તે સમયના ભાવ કરતા ૨૯ ટકા ઓછું છે. ડિઝલના ભાવમાં પણ મોદી સરકારનો ૨૦૧૩ની સરખામણીએ ટેકસનો ગાળો ઘણો વધુ છે. ૨૦૧૩ કરતા ડિઝલ પર કેન્દ્ર ૩૧૩ ટકા વધુ ટેકસ એટલે કે ૧૫.૩૩ રૂપિયા વસુલે છે. આ તમામ આંકડા પરી ફલીત થય છે કે હાલ ડિલરને થતો ૨૦૧૩ કરતા પેટ્રોલ ખૂબજ સસ્તા દરે મળે છે. પરંતુ રાજય અને કેન્દ્ર સરકારના કર ભારણના કારણે તેનો ભાવ વધી જાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com