પેટ્રોલિયમ કંપનીઓના માર્જિન વધતા વધતા તેઓ ખોટને બદલે નફો કરતી થઈ ગઈ, લાંબા સમય બાદ હવે સામાન્ય નાગરિકોને રાહત આપવા સરકારની તૈયારીઓ
સરકાર ટૂંક સમયમાં જ ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની ભેટ આપી શકે છે. લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા બાદ પેટ્રોલિયમ કંપનીઓના માર્જિનમાં પણ વધારો થયો છે અને હવે તેઓ ખોટને બદલે નફો કરી રહી છે. તેને જોતા સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે.
અહેવાલ મુજબ જો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થશે તો મે 2022 પછી તેલની કિંમતોમાં આ પ્રથમ ઘટાડો હશે. મે મહિનામાં સરકારે બંને ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. ત્યારે સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. સરકારી ઓઈલ કંપનીઓને ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટું માર્જિન મળવા લાગ્યું છે. રિપોર્ટ અનુસાર, કંપનીઓને પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા સુધીનું માર્જિન મળી રહ્યું છે.પેટ્રોલ-ડીઝલના ભાવમાં લોકોને ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે.
આગામી દિવસોમાં આ ઉત્પાદનોની કિંમતોમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે આ મોટી રાહત હશે. કિંમતોમાં આ ઘટાડો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થવાનો અવકાશ છે કારણ કે હવે રિટેલર્સનું માર્જિન પોઝિટિવ બન્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ગુજરાત-હિમાચલની ચૂંટણીમાં આ ભાવ ધટાડો અસર કરશે ?
હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. બીજી તરફ ગુજરાતની ચૂંટણી જાહેર થવામાં હવે ઘડીઓ ગણાય રહી છે. તેવામાં જો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 2નો ઘટાડો જાહેર કરશે તો તેની અસર ચૂંટણી ઉપર હકારાત્મક થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.