ઝોનલ ઓફિસોમાં અરજદારોની ચિક્કાર ભીડ,કલાકો સુધીના વેઇટિંગ : ભરઉનાળે પાણીની સુવિધાનો પણ અભાવ

અબતક, રાજકોટ : રાજકોટ શહેરમાં જો અત્યારે કોઈને પણ રાશન કાર્ડની કામગીરી કરવાની આવી તો સમજો વારો નીકળી ગયો, કારણકે આ કામગીરી કરાવતી વખતે અરજદારને પાણી પણ નસીબ નહિ થાય. શહેરની દરેક ઝોનલ કચેરીઓમાં અરજદારોની ચિક્કાર ભીડ જામે છે. જેમાં કલાકો સુધીના વેઇટિંગ હોય છે અને ભરઉનાળો હોવા છતાં પાણીની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.રાજકોટ શહેરની તમામ ઝોનલ ઑફિસોમાં હાલ રાશન કાર્ડ સંબંધિત કામગીરીઓ માટે ભારે ભીડ રહે છે. લોકોને કલાકો સુધી બહાર કતારોમાં ઉભું રહેવું પડે છે. ક્યાંક બેસવાની સગવડ નથી તો ક્યાંક પીવાના પાણીની સગવડ નથી.

આવી તો અનેક સમસ્યાઓ છે. આ ઉપરાંત દરેક મામલતદાર કચેરીઓ બહાર તંત્રની મીઠી નજર તળે બોગસ પિટિશન રાઇટરોના રાફડા પણ જામ્યા છે. જેને પરિણામે અશિક્ષિત અરજદારોને તો 500થી લઈને 1000 સુધીનો ખર્ચ પણ કરવો પડે છે. હાલ આ મામલે ઉપરી અધિકારી અંગત રસ લઈને કાર્યવાહી નહિ કરે તો અરજદારોની દરરોજની આ સમસ્યા વકરતી જ રહેશે. ઉલ્લેખનીય છે કે હાલ કાળઝાળ ગરમી શરૂ થઈ છે. અરજદારોને કતારોમાં કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તમામ પ્રાંત અધિકારીઓને તાજેતરમાં જ જરૂરી સૂચનાઓ આપી હતી.

આ સૂચનાઓમાં કલેકટર તરફથી પ્રાંત અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે તેમના કાર્યક્ષેત્રમાં આવતી મામલતદાર કચેરીઓમાં જરૂરી વ્યવસ્થાઓનું અપગ્રેડેશન થાય અને અરજદારોને કોઈ અગવડતા ન પડે તે માટે પગલાં લેવા. જો કે હાલ અબતક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા ઝોનલ કચેરીઓમાં કલાકો સુધી કતારોમાં ઉભેલા અરજદારો માટે પીવાના પાણીની સુવિધા પણ ન હોવાનું ખુલ્યું હતું. ત્યારે હવે કલેકટર તંત્ર દ્વારા તમામ ઝોનલ કચેરીઓ તેમજ આવકના દાખલ કાઢી આપતા કેન્દ્રોની સરપ્રાઈઝ વિઝીટ લેવામાં આવે તો હજુ પણ અનેક સમસ્યાઓ ધ્યાને આવે તેમ છે.

દરરોજ એકસાથે 100 જેટલા અરજદારોની કતાર, જેથી ટોકન સિસ્ટમ જ અનુકૂળ

ઝોનલ કચેરીઓમાં દરરોજ અરજદારોની ભારે ભીડ જામે છે. ખાસ કરીને જૂની કલેકટર કચેરીમાં સ્થિત ઝોનલ ઓફિસમાં વધુ ભીડ રહે છે. ત્યા સવારથી કચેરી ખુલે ત્યાં જ 100થી અરજદારોનો મેળાવડો જામે  છે. આવી સ્થિતિમાં ટોકન સિસ્ટમ અમલી બનાવવામાં આવે તો અરજદારોને સરળતા રહે. દરરોજ સવારે અરજદારોને તે જ દિવસના અને બીજા દિવસના ટોકન આપવામાં આવે તો અરજદાર ટોકનના સમય મુજબની 30 મિનિટ દરમિયાન જ હાજરી આપવાની રહે. આમ ટોકન સિસ્ટમ અરજદારો માટે આશીર્વાદરૂપ બની રહે.

હાલાકી પાછળનું કારણ શું ?

તમામ ઝોનલ કચેરીઓમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. લાંબી કતારોથી લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ઉપરાંત બે થી ત્રણ ધક્કા પણ ખાવા પડે છે. તેની પાછળનું કારણ સ્ટાફની ઘટ છે. સ્ટાફની ઘટને કારણે કર્મચારીઓ ઉપર પણ કામનું ભારણ વધી રહ્યું છે. આ કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલાકીનું સમાધાન શુ ?

લોકોને માત્ર રાશન કાર્ડના કામ માટે ઓછામાં ઓછા બબ્બે ધક્કા ખાવા પડે છે. ઉપરાંત કલાકો સુધી કતારોમાં ઉભુ રહેવું પડે છે. જે સમસ્યાનું સમાધાન એ છે કે કલેકટર તંત્ર સ્ટાફની સંખ્યા વધારે તો કામગીરી ઝડપી બને. હાલ મહેકમની ઘટ આખા કલેકટર તંત્રની સમસ્યા છે. પણ ઝોનલ ઓફિસ માટે રોજગાર કચેરીની મદદથી કોમ્પ્યુટર ઓપરેટિંગ માટે કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓની ભરતી થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.