ભાજપે ધોરાજી- ઉપલેટા બેઠક ઉપરથી ઉમેદવાર જ જાહેર ન કર્યા : ટૂંકમાં નવા-જૂની થવાના વર્તાતા એંધાણ
લલિત વસોયાને કેસરિયો પહેરાવવાના મનામણા થઈ રહ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ ભાજપે ધોરાજી- ઉપલેટા બેઠક ઉપરથી ઉમેદવાર જ જાહેર ન કર્યા હોવાથી આ ચર્ચામાં તથ્ય હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.
રાજકોટ જીલ્લાની ધોરાજી બેઠક અત્યારે લાઇમ લાઇટમાં આવી ગઈ છે. આ બેઠક ઉપર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. કોંગ્રેસે પણ છેલ્લી ઘડીએ નામ અટકાવ્યુ છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અગાઉ કેટલાંક ઘટનાક્રમોથી શંકાના ઘેરાવામાં આવ્યા હતા. તેઓ ભાજપમાં જવાના હોવાની ચર્ચાએ પણ એક સમયે જોર પકડ્યું હતું
હવે છેલ્લી ઘડીએ કાંઈક નવાજુની થવાના ભણકારા થઈ રહ્યા છે. કોંગ્રેસ કે ભાજપ ઉમેદવાર વિશે ફોડ પાડતા નથી. કોંગ્રેસના બે ધારાસભ્યોએ છેલ્લા બે દિવસમાં પક્ષપલ્ટો કર્યો છે. ત્યારે આ ઘટનાક્રમ સૂચક ગણાય છે.
બીજી તરફ રાજકીય નેતાઓમાં એવી ચર્ચા પણ જાગી છે કે ભાજપ દ્વારા લલિતભાઈ વસોયાને ભાજપમાં જોડવા માટે પુરજોશમાં પ્રયત્નો થઈ રહ્યા છે. હવે લલિતભાઈ હા પાડે એટલી જ વાર છે. તેમના માટે ભાજપે આ બેઠક ઉપર ઉમેદવાર પણ જાહેર કર્યા નથી.