દારૂ બંધીની કડક અમલવારી છતા અનેક છટકબારી.
દારૂની એક બોટલ તો ઠીક એક પેગ પીધો હોય તો પણ જેલની હવા ખાવી પડે તેવા કડક કાયદા અમલમાં આવ્યાં છે. પણ, કાયદામાં જ એવી છટકબારી છે કે તેનો ગેરલાભ લઈને કાયદેસરનો દારૂ મેળવી શકાય છે.
બીજા રાજ્યમાંથી આવ્યા હોય તેવા પુરાવા રજૂ કરવામાં આવે એટલે વિઝિટર્સ પરમિટ મળી જાય. આ માટે પોતે બીજા રાજ્યમાંથી આવ્યા હોય તેવી રેલવે ટિકિટ રજૂ કરો અને બીજા રાજ્યમાં રહેતા હોવાનુંID-પ્રૂફ આપી દો એટલે લિકર શોપમાંથી દારૂ મેળવવાની છૂટ આપતો કાયદો છે. અમદાવાદમાં અનેક કિસ્સાઓમાં માત્ર ૧૭૦થી ૨૦૦ રૂપિયામાં આબુ રોડ કે મુંબઈની રેલવે ટિકિટ રજૂ કરીને વિઝિટર્સ પરમિટ ઉપર લિકર શોપમાંથી દારૂ મેળવવાનું પ્રમાણ વધી રહ્યું છે.
નશાબંધી કાયદાની જોગવાઈ મુજબ, ગુજરાત બહારથી આવતા નાગિરકોને વિઝિટર્સ અને વિદેશથી આવતા નાગરિકોને હંગામી ટૂરિસ્ટ પરમિટ કાઢી આપવામાં આવે છે. જ્યાં દારૂબંધી નથી તેવા રાજ્યમાંથી આવતા નાગરિક માત્ર ૭૦ રૂપિયા ભરીને વિઝિટર્સ પરમિટ મેળવી શકે છે. ઓનલાઈન ડિટેઈલ્સ અને IDપ્રૂફ રજૂ કરીને ૭૦ રૂપિયા ભરતાં જ ઈ-પરમિટ આપવામાં આવે છે. લિકર શોપ ઉપર ઈ-પરમિટ જેના નામની હોય તે નાગરિકનું જે-તે રાજ્યનો રહેણાકનો પુરાવો અને અમદાવાદમાં જેના ઘરે રહેવાના હોય તે વ્યક્તિનું IDપ્રૂફ મેળવવામાં આવે છે. આટલે સુધીની વાત તો કાયદેસર અપાતી પરમિટ વ્યવસ્થાની છે. પણ, કાયદામાં રહેલી છટકબારીનો દુરૂપયોગ કરીને લિકર શોપ ઉપરથી દારૂ કે બિયર મેળવાય છે.
જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, ૧૭૦ રૂપિયાની રેલવે ટિકિટ અને ઈ-પરમિટના ૭૦ રૂપિયા મળી ૨૪૦નો ખર્ચ કરવામાં આવે એટલે તમારી પાસે કાયદેસર કહી શકાય તેવી દારૂની બોટલ કે બિયરનો જથ્થો હોય છે. એક ઈ-પરમિટ ઉપર ૪૫ દિવસે વ્હીસ્કીની એક બોટલ, વાઈનની ૩ બોટલ, બિયરની ૧૦ બોટલ અથવા તો બિયરના ૧૩ ટીન (ચારમાંથી ઈચ્છાનુસાર કોઈપણ એક વસ્તુ) આપવામાં આવે છે. અમદાવાદ અને ગુજરાતમાં બીજા રાજ્યમાંથી હજારો નાગરિકો રોજી-રોટી મેળવવા માટે આવે છે. આવા નાગરિકો પાસે તેમના વતનનું જ IDપ્રૂફ હોય છે. દારૂની પાર્ટી કરવાના શોખિનો પોતાના ગ્રૂપમાં આવા પરપ્રાંતિય નાગરિકોને શોધી કાઢે છે. જ્યારે, વતનથી પાછા ફરે ત્યારે એ વ્યક્તિની રેલવે ટિકિટના આધારે ઈ-પરમિટ કઢાવીને દારૂ કે બિયર મેળવી લેવાય છે. બદલામાં ૨૦૦-૫૦૦ રૂપિયા આપી દેવામાં આવે છે.
આ પ્રકારે કાયદામાં જ રહેલી છટકબારી દારૂબંધીના કડક અમલવારીની હાંસી ઉડી શકે તેવો માર્ગ નશાખોરોએ અખત્યાર કરી લીધો છે. એ વાત અલગ છે કે, લિકર શોપમાંથી મળતો દારૂ ખૂલ્લા બજારમાં ગેરકાયદેસર વેચાતા દારૂ-બિયર કરતાં મોંઘો પડે છે. પણ, ચોખ્ખો માલ અને પોલીસ પકડે તો વિઝિટર્સ પરમિટ હોવાથી કાર્યવાહીથી બચી શકાય તે મોટામાં મોટો ફાયદો છે. અમદાવાદ નશાબંધી ખાતાના જવાબદારો આ મામલે કોઈ વિગતો આપવાનો કે વાતચીત કરવાનો ઈનકાર કરે છ