આપણે કયારે ‘માસ્ક મૂકિત’ મેળવીશું?? ઝડપી રસીકરણ અને નિયમોનું પાલન જ માસ્કમાંથી આઝાદી અપાવી શકશે
ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં ટચૂકડાએવા કોરોના વાયરસે આતંક મચાવી દીધો છે. વાયરસના ભરડામાં આવવાથી બચવા વિશ્ર્વભરના લોકોએ ફરજીયાત માસ્ક, સામાજીક અંતર જાળવવું, ઘરની બહાર નીકળતા જ નિયમોનું કડકપણે પાલન, સમયાંતરે હાથ ધોવા… આ બધુ કરવા છતાં પણ સંક્રમણનો ડર તો રહે જ.પરંતુ વિચારો આ જટીલ નિયમો અને ખાસ મોને જકડી રાખતા એવા માસ્કમાંથી મૂકિત મળી જાય તો ?? મતલબ કે, આ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ કોરોના વાયરસ ચાલ્યો જાય તો?? સ્વભાવિક છે. સૌ કોઈ આનંદિત થઈ જ ઉઠે ને…અમેરિકામાં આ શકય બન્યું છે. જી હા, અમેરિકનોને માસ્ક પહેરવાથી આઝાદી મળી ગઈ છે. લોકોને માસ્ક વિના પણ ફરવાની છૂટને અમેરિકાની ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્સન સેન્ટરે લીલીઝંડી આપી દીધી છે. હવે આપણે તુરંત વિચારીશું કે અમેરિકાની જેમ ભારતમાં કયારે માસ્કમાંથી મૂકિત મળશે?? અમેરિકા જેમ કોરોનાને હરાવી રહ્યો છે. એમ આપણે પણ આ વાયરસ સામે કયારે જીત મેળવીશું?? આ તમામ પ્રશ્ર્નોનો જવાબ એજ છે કે નિયમોનું ચૂસ્તપણે પાલન અને ઝડપી રસીકરણ જ આમાંથી ઉગારશે કારણ કે અમેરિકા પણ રસીકરણની ઝડપી પ્રક્રિયા થકી જ વાયરસમાંથી મૂકત થઈ રહ્યો છે.
કોરોનાની પ્રથમ લહેરમાંથી શીખ મેળવી યુએસએ રસીને ‘જાદુઈ છડી’ માની
વેકિસનેશન ઝુંબેશ ઉપાડી; આર્થિક ભંડોળ ફાળવી ડોઝનું મોટાપાયે ઉત્પાદન કર્યું
હવે, મોટાભાગના લોકો વિચારશે કે, અમેરિકાતો વિકસિત અને મહાસત્તા દેશ છે. એ તો રસીકરણ ઝડપથી કરી પોતાની આગવી ટેકનોલોજી થકી કોરોનાને જલદીથી મ્હાત આપવાનો જ હતો ?? પણ નહીં, આ સંપૂર્ણ સત્ય નથી.કારણ કે, માત્ર ટેકનોલોજી કે ઝડપી પ્રક્રિયાથી જ આ કોરોનાને મ્હાત આપી શકાય તેમ નથી. આ માટે ઝડપી રસીકરણની સાથે તેનું આગોતરૂ અને મજબૂત આયોજન પણ અનિવાર્ય શરત છે. ઝડપી રસીકરણ થાય પણ અણધડ રીતે થાય તો?? તો આ રસીકરણની અસરો જેટલી ઉપજવી જોઈએ એટલી ઉપજે નહી બસ ભારતમાં પણ આ જ પરિબળની ખામી છે.
અમેરિકામાં ગત વર્ષે કોરોનાને કારણે ભયંકર સ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ આજે અહી સ્થિતિ નિયંત્રીત થઈ સામાન્ય બનતી ઈ રહી છે. પ્રથમ લહેરમાંથી શીખ મેળવી અમેરિકાએ અગાઉથી જ સક્રિય પગલા ભરવાનાં શરૂ કરી દીધા હતા. જયારે વિશ્ર્વના અન્ય દેશો કોરોના કેસ, રીપોર્ટની કીટ, રસીબનાવવી વગેરેમાં રચ્યા પચ્યા હતા તે સમયે અમેરિકાએ રસી ઉત્પાદક કંપનીઓને નાણાંકીય ભંડોળ ફાળવી મોટાપાયે ડોઝ ઉત્પાદન કરી લીધા અને રસીકરણની પ્રક્રિયા વેગવંતી બનાવી અમેરિકનોને ‘કોરોના કવચ’ પૂરૂ પાડી દીધું નાના એવા દેશ ઈઝરાયલએ પણ આજ પંથ પર ચાલી કોરોનાને મ્હાત આપવા અગ્રેસર બન્યું છે. આપણા દેશમાં પણ લોકોએ સજાગ થઈ રસી વિરૂધ્ધની માન્યતાને છોડી ડોઝ લેવા આગળ આવવું જોઈએ.
અમેરિકામાં અત્યાર સુધીમાં 14 કરોડથી વધુ લોકો ‘કોરોના કવચ’થી સુરક્ષીત
અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડને કહ્યું કે કોરોના મહામારીએ માસ્કને આપણા જીવનનો એક ભાગ બનાવી દીધો હતો. પરંતુ હવે દેશમાં જે લોકોનું રસીકરણ થઈ ચૂકયું છે. એવા લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. પરંતુ લોકોએ ભીડવાળી જગ્યાઆએ જવાથી બચવાનું રહેશે. જયાં ભીડ છે. ત્યાં લોકોએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે. સીડીસીએ કહ્યું કે, જે લોકો કોઈ ખેલ જોવા, ક્ન્સલ્ટમાં જવા ઈચ્છે અથવા અન્ય કોઈ ભીડવાળી જગ્યાએ જવા ઈચ્છે છે તો જઈ શકશે. પણ આવી જગ્યાએ માસ્ક પહેરવું પડશે. અમેરિકામાં અત્યાર સુધી 45 ટકા જેટલા લોકોને રસીના બે ડોઝ અપાઈ ચૂકયા છે. 14 કરોડ લોકોને રસી અપાઈ ચૂકી છે.