ધો.૩ થી ૮નાં ભાષા અને ગણિતનાં પ્રશ્ર્નપત્રો જીએસએચએસબીની વેબસાઈટ પરથી જોઈ શકાશે
કોવિડ-૧૯ની મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવા છતાં શિક્ષણ ચાલુ રહે તે માટે રાજય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગનાં વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે. ધો.૧ થી ૮નાં વિદ્યાર્થીઓને ઘર શીખીએ પુસ્તીકાઓ પણ આપવામાં આવે છે. ઘણી શાળાઓમાં વર્ચ્યુઅલ કલાસ પણ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત યુ-ટયુબ ચેનલ ઉપર શૈક્ષણિક કાર્યક્રમો જોઈ શકાય છે ત્યારે રાજય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૨૯ જુલાઈ સુધીમાં આ એકમ કસોટી પૂર્ણ કરી દેવા આદેશ આપ્યો હતો જોકે તેમાં થોડો ફેરફાર કરાયો છે અને સ્કુલોમાં એકમ કસોટી હવે ૧૦મી ઓગસ્ટ સુધી લેવા પરવાનગી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓને કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડવા તેમજ વિદ્યાર્થીઓએ લખેલા જવાબો શાળામાં પરત પહોંચાડવા અને જવાબો ચકાસવા અંગે વિવિધ શિક્ષક સંઘો અને શાળાઓ તરફથી મળેલ રજુઆત સંદર્ભે રાજય સરકાર દ્વારા સઘન વિચારણા કરવામાં આવી હતી અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેટલીક છુટછાટ આપવામાં આવી છે. ધો.૩ થી ૮નાં ભાષા અને ગણિતનાં પાઠય પુસ્તકનાં પહેલા પાઠમાં આપેલો કયુઆર કોડ સ્કેન કરવાથી પણ એકમ કસોટીનું પ્રશ્ર્નપત્ર જોઈ શકાશે. આ ઉપરાંત જીએસએચએસબીની વેબસાઈટ પર પણ પ્રશ્ર્નપત્રો જોઈ શકાશે. આમ વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીઓ પહોંચાડવા માટે અન્ય સુવિધા આપવામાં આવી છે. આ કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડવી, વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્ર્નપત્રનાં જવાબ લખવા, વિદ્યાર્થીએ લખેલા જવાબોની નોટબુક શાળામાં પરત જમા કરાવવી વગેરે જેવી કામગીરી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૩૧ જુલાઈનાં બદલે હવે ૧૦મી ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી શકાશે.