એક જગ્યા માટે અરજીઓ મંગાવાઇ: 11મી માર્ચ સુધીમાં ઇચ્છુકો અરજી કરી શકશે
રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી ટાઉન પ્લાનિંગ શાખામાં ઇન્ચાર્જ ટીપીઓથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. ઇન્ચાર્જ ટીપીઓ તરીકે હાલ એમ.ડી.સાગઠીયા ફરજ બજાવી રહ્યાં છે. દરમિયાન હવે કાયમી ટીપીઓની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઇચ્છુક વ્યક્તિ 11મી માર્ચ સુધીમાં અરજી કરી શકશે.
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખામાં ટાઉન પ્લાનિંગ ઓફિસરની એક બિન અનામત જગ્યા વર્ષોથી ખાલી પડી છે. બકુલેશભાઇ રૂપાણીના રાજીનામા બાદ વર્ષોથી ઇન્ચાર્જ ટીપીઓ તરીકે એમ.ડી.સાગઠીયા ફરજ બજાવી રહ્યાં છે. માન્ય યુનિવર્સિટી અથવા ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેચરમાંથી બીઇ સિવિલ અથવા બીઆર્ક અને માસ્ટર ઓફ ટેકનોલોજી, માસ્ટર પ્લાનિંગ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી, ડિપ્લોમા, અર્બન એન્ડ રિજ્યોનલ પ્લાનિંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટાઉન પ્લાનર, નવી દિલ્હી મારફત મંજૂર કરવામાં આવેલા અર્બન તથા રિજ્યોનલ પ્લાનિંગનો માસ્ટર કોર્ષ કે તેને સમકક્ષ કોર્ષ કર્યા પછી સાત વર્ષનો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનો અનુભવ ધરાવતી વ્યક્તિ ટીપીઓની જગ્યા માટે અરજી કરી શકશે. જેમાં સાતમા પગાર પંચ મુજબ રૂ.67,700 થી રૂ.2,08700 પે મેટ્રીક્સ પગાર ધોરણ રહેશે. આગામી 11મી માર્ચ સુધીમાં ટીપીઓની જગ્યા માટે અરજી કરી શકાશે.