૨૦ થી ૨૫ ગામો અને ૧૫ જેટલી શાળા-કોલેજોના મુખ્ય રસ્તામાં અડચણો આવતા એનએસયુઆઈ દ્વારા રજૂઆત
રાજકોટમાં પડેલા ભારે વરસાદ વચ્ચે મુંજકા ગામમાં નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે આવેલો બેઠા ઘાટનો પુલ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. જેના પરિણામે આસપાસના ૨૦ થી ૨૫ ગામડાઓ અને ૧૫ જેટલી શાળાઓની અવર-જવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ છે. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત ગામડાઓમાં રહેતા લોકો અવર-જવર કરતા હોય છે પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી દર વર્ષે વરસાદ દરમિયાન પુલ તૂટી જતો અથવા બંધ થઈ જતો હોવાના કારણે મુશ્કેલી સર્જાય છે પરંતુ તેનો કાયમી ઉકેલ આવતો નથી.અત્યાર સુધીમાં આ પુલ પાછળ લાખોનો ખર્ચો કર્યો હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. વધુમાં બેઠા ઘાટનો પુલ હોવાના કારણે વરસાદ થાય ત્યારે પુલ ઉપરથી ૩-૪ ફૂટ સુધી પાણી વહેવા લાગે છે અને માણસો અવર-જવર પણ કરી શકતા નથી. આ પુલ નજીક જ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે અને ચાર રસ્તા ભેગા થતા હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. ત્યારે આ પરિસ્થિતિમાં સુધારો લાવવા યોગ્ય કામગીરી કરવાની માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી.રજૂઆતમાં રીંગરોડ ઉપર તાકીદે સર્કલ બનાવવું અને પુલને ૧૫ થી ૨૦ ફૂટની ઉંચાઈનો કરી પ્રશ્ર્નનો કાયમી ઉકેલ લાવવા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. કલેકટર કચેરીએ આવેદન પાઠવવા રાજકોટ જિલ્લા પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, કેતન ઝરીયા, અમીત પટેલ, અમીત મેવાડા, મનીષ પટેલ સહિતના હાજર રહ્યાં હતા.