માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત ‘વિરાટ મહિલા સંમેલન’ની શાનદાર ઉજવણી
સૌરાષ્ટ્રની રાજધાની સમા રંગીલા રાજકોટ શહેરમા રેસકોર્સ ખાતે તા.6 જૂન, સોમવારના રોજ માનવ ઉત્કર્ષ મહોત્સવ નિમિતે ભવ્યાતિભવ્ય મહિલા દિનની ઉજવણી ધામધૂમથી કરવામા આવી હતી. 95 વર્ષની જીવનયાત્રા દરમ્યાન જેમની દરેક ક્ષણ દિવ્ય અને કલ્યાણકારી રહી છે તેવા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવના ઉદઘોષ માટેના મહિલા સંમેલન ઉત્સવમા રાજકોટના તમામ બાલિકા, યુવતી અને મહિલા હરિભક્તો વિશાળ મહોત્સવ રૂપી ગગનમાં પાંખ ફેલાવી સેવા કરવા સજ્જ બન્યા હતા.
છેલ્લા દોઢ મહિનાથી રાજકોટ ઝોનની 245 થી વધુ બાલિકાઓ, યુવતીઓ, મહિલાઓ પ્રસ્તુત થનાર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓમાં ઓત-પ્રોત બની રહી હતી.આ વિરાટ મહિલા સંમેલનની કોરિયોગ્રાફી “તાંડવ” નર્તન ઇનસ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ, રાજકોટ સંસ્થાના સંસ્થાપક શ્રી જીજ્ઞેશભાઈ સુરાણી, સહ સંસ્થાપક કુ.ક્રિષ્ના સુરાણી તેમાજ સંસ્થાના નૃત્ય શિક્ષક કુ.દીપિકા પરમાર, દીર્ઘા ઝાલા હિંગળાજીયા, અને ક્રિષ્નાભાઈ હિંગળાજીયા દ્વારા થયેલી હતી.’તાંડવ નર્તન’એ ભરતનાટ્યમ અને લોકનૃત્ય શિખવાડતી રાજકોટ સ્થિત સંસ્થા છે. જેની સૌરાષ્ટ્રભરમાં મોરબી, જૂનાગઢ, પોરબંદર, ઉપલેટા, વાંકાનેર શહેરોમાં શાખા કાર્યરત છે. આ નિત્ય વિવિધ કાર્યક્રમો માટેની પૂર્વ તૈયારીઓમા બાલિકાઓ, યુવતીઓ, મહિલાઓની અનેરી ભક્તિના દર્શન થતા હતા.
સંધ્યા સમયે બરાબર 6:15 વાગ્યે વિરાટ મહિલા સંમેલનની શરુઆત આપણા સાચા સ્વજન પ્રમુખસ્વામી મહારાજ વિષય અંતર્ગત જયનાદ, ધૂન-પ્રાર્થના, તેમજ મંગલાચરણ અને સ્વાગત નૃત્ય દ્વારા કરવામા આવી હતી. આ મહોત્સવમાં દિગ્ગજ મહિલા અગ્રણીઓ જેવા કે નીમાબેન આચાર્ય (વિધાનસભા અધ્યક્ષ), ડો. દર્શિતાબેન શાહ (ડેપ્યુટી મેયર), રેખાબેન મોઢા (અગ્રણી હરિભક્ત), અ. સૌ. શ્રીમતી કાદમ્બરીદેવી જાડેજા (રાજકોટ રાણીબાસાહેબ), બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા (પૂર્વ ધારાસભ્ય),તથા રક્ષાબેન બોળિયા (પૂર્વ મેયર), ગાયત્રીબેન વાઘેલા (કોંગ્રેસ અગ્રણી), જસુમતીબેન વાસાણી (પૂર્વ ડેપ્યુટી મેયર), ભગવતીબેન રૈયાણી (કેબિનેટ મંત્રી અરવિંદભાઈ રૈયાણીના પત્ની) વગેરેનું સન્માન દિપપ્રાગટ્ય બાદ કરવામા આવ્યુ હતુ. સાથે સાથે મહોત્સવના યજમાન એવા શ્રદ્ધાબેન પંડ્યા અને નિશાબેન કાલરીયા તથા મધ્યસ્થ કાર્યાલયથી કિશોરીબેન ત્રિવેદી, દક્ષાબેન પીઠવા, ઇલાબેન પટેલ, નિરંજનાબેન બ્રહ્મભટ્ટ તથા પ્રતિમાબેન પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.
પ્રમુખસ્વામી મહારાજના જીવન પરના અદ્ભુત વિડિયો શો બાદ બાલિકાઓ દ્વારા ટિટોડી સંવાદનૃત્ય દ્વારા સંઘશક્તિ નો અમૂલ્ય સંદેશ પાઠવવામા આવ્યો હતો. ત્યાર બાદ વિધાનસભા અધ્યક્ષ નીમાંબેન આચાર્ય એ ધાર્મિક વક્તવ્યક્નો લાભ આપ્યો હતો. મહિલાઓ દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓને રજૂ કરતાં વિડીયો શો બાદ ભવ્ય સંવાદની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઈલાબેન પટેલ દ્વારા સાચા સ્વજન પ્રમુખસ્વામી મહારાજ પર આહલાદક પ્રવચનનો લાભ મળ્યો હતો.મહંતસ્વામી મહારાજ પર વિડિઓ શો, શ્રીજી પ્રગટ છે રે… એ કીર્તન પર પ્રેમવતી રાસ, શતાબ્દી સંદેશનો ઉદધોષ તથા આભારવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાટ મહિલા સંમેલનના અંતભાગમાં 100 યુવતીઓ દ્વારા ભવ્ય ગ્રાન્ડ શો નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ ઉત્સવમાં હજારો બહેનોની જનમેદની મહોત્સવ સ્થળે ઉમટી પડી હતી. વિરાટ મહિલા સંમેલનનો આરંભ થતા જ સમગ્ર રેસકોર્સ મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું. આ ઉત્સવમાં તમામ પાંખની કાર્યકર બહેનો વચ્ચે સંપ, સુહ્યદભાવ તથા એકતાનું સૌને દર્શન થયું હતું. ઉત્સવનો લાભ લેનાર તમામ યુવતીઓએ જીવનની ધન્યતાનો અનુભવ કર્યો હતો.
સૌની ભાવભીની ભક્તિ અને કઠોર પરિશ્રમના ફળસ્વરૂપે આ વિરાટ મહિલા સંમેલન મહોત્સવ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો. સતત 3 કલાક સુધી રજૂ થયેલા આ સાંસ્ક્રુતિક કાર્યક્રમની સ્મૃતિઓ સૌ કોઈના હૈયે સદાને માટે કંડારાઈ ગઈ હતી.
પ્રમુખ સ્વામી મહારાજનો સિધ્ધાંત અને સંદેશ લોકો માટે સંજીવની સમાન: ડો.નીમાબેન આચાર્ય
ગુજરાત વિધાનસભાના સ્પીકર ડો.નીમાબેન આચાર્યએ ‘અબતક’ સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે મહિલા સંમેલનનું જે આયોજન કરાયું તે અવિસ્મણીય છે અને આ વિરાટ સંમેલન મહિલાઓની એકતાનું પ્રતીક છે. કારણ કે સમગ્ર ગુજરાતથી મહિલાઓ આવેલ છે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજનાં સિધ્ધાંતો અને સંદેશ લોકો માટે સંજીવની સમાન છે. લાખો લોકોને પત્ર લખી પ્રમુખ સ્વામી મહારાજે જીવન સફળ બનાવ્યા છે. ખાસ કરીને મહિલાએ પોતાના ઘરમાં ઘર સભાઓકરે જેથી બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય જે આજના સમયની માંગ છે. જે માત્રને માત્ર સ્ત્રીઓ જ કરી શકે. અંતમાં તેઓએ કહ્યું હતું કે જે કોઇ મહિલાને નકારાત્મક વિચાર આવે તો પ્રભુનું સ્મરણ કરી લેવું જે દરેક દુ:ખોમાંથી બચાવશે.