રાજ્યમાં જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી હોવાની હાલ પ્રાથમિક માહિતી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9,53,000થી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા આ વખતે તકેદારી રાખશે તેવા આશ્વાસનો આપવા આવ્યા હોવા છતાં પણ પેપર લીક તથા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે.
વડોદરાની ક્લાસિસથી પેપર લીક થયાની શક્યતા
વડોદરા ખાતે આવેલા એક ક્લાસિસમાં આ પેપર મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી પેપર કેટલાક ઉમેદવારો લેવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ગુજરાતી એટીએસે મોડી રાત્રે આ વડોદરાના ક્લાસિસ પર ઓપરેશન કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 10થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયું હોવાથી પ્રાથમિક માહિતી બહાર આવી છે. જેમાં તેલંગાણા, બિહાર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે.