૪૧ કોર્પોરેટરોના ૭૮ સવાલ પૈકી એક માત્ર વોર્ડ નં.૧૩ના કોંગી નગરસેવિકા જાગૃતિબેન ડાંગરના પ્રશ્ર્નની અધકચરી ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકા માં આજે સવારે વર્તમાન ટર્મનું સંભવત: અંતિમ જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે પ્રજાલક્ષી પ્રશ્ર્નોને વધુ એકવાર ખાડામાં નાખી દીધા હતા. સામસામી આક્ષેપબાજી અને ખોટા હો…હા… દેકારા વચ્ચે પ્રશ્ર્નોતરીકાળનો સમય વેડફાઈ ગયો હતો. ૪૧ નગરસેવકોના ૭૮ સવાલ પૈકી એકમાત્ર વોર્ડ નં.૧૩ના કોંગ્રી નગરસેવિકા જાગૃતિબેન ડાંગરના રોડ-રસ્તાના પ્રશ્ર્નની અધકચરી ચર્ચા થઈ હતી. બાકીનો સમય બન્ને પક્ષના નગરસેવકોએ સામસામી આક્ષેપબાજી કરવામાં પસાર કરી દીદો હતો. બોર્ડમાં પાંચ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જ્યારે નિયમીત ૩ સહિત એક અરજન્ટની બિઝનેશ દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.
મહાપાલિકાની વર્તમાન બોડીની ટર્મ આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે અંતિમ જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપના ૨૨ અને કોંગ્રેસના ૧૯ સહિત કુલ ૪૧ કોર્પોરેટરોએ પ્રજાલક્ષી ૭૮ સવાલો રજૂ કર્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી બોર્ડમાં જોવા મળતી દેકારાની વણલખી પરંપરા આજે પણ જોવા મળી હતી. અંતિમ બોર્ડમાં પણ પ્રજાલક્ષી પ્રશ્ર્નોની ચર્ચા કરવાના બદલે બન્ને પક્ષના કોર્પોરેટરોએ સામસામી આક્ષેપબાજી કરી હતી. સ્થાનિક લેવલનો મામલો છેક રાષ્ટ્રીય રાજકારણ સુધી પહોંચી ગયો હતો. ૭૮ સવાલ પૈકી વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના રોડ-રસ્તાના એકમાત્ર સવાલની ચર્ચા થઈ શકી હતી તે પણ અધકચરી. પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન અનેકવાર ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો રીતસર સામસામે આવી ગયા હતા. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા વચ્ચે તુ..તુ..મેં..મેં… થવા પામી હતી. આ ઉપરાંત બાંધકામ સમીતીના મનીષ રાડીયા અને સ્ટે.કમીટીના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા, કશ્યપ શુકલ અને ગાયત્રીબા વાઘેલા વચ્ચે ચકમક ઝરી હતી. સામાન્ય રીતે પ્રજા પ્રતિનિધિઓને એટલા માટે ચૂંટતી હોય કે તેના પ્રશ્ર્નોનો નિકાલ આવે પરંતુ રાજકોટની પ્રજાના નસીબમાં આવું ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી એકપણ પ્રજાલક્ષી પ્રશ્ર્નની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે બન્ને પક્ષે સામસામી આક્ષેપબાજી અને ખોટા દેકારામાં વ્યથીત કરી નાખતા હોય છે.
આજે જનરલ બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવેલી ત્રણ નિયમીત દરખાસ્ત ઉપર એક અરજન્ટ બિઝનેશ દરખાસ્ત રજૂ કરાઈ હતી જેને બહુમતિથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાને ૫ શોક ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ડે.મેયર ભિખાભાઈ વસોયા, કોર્પોરેટર હારૂનભાઈ ડાકોરા, પૂર્વ કોર્પોરેટર ચાબેન ચૌધરી અને વિનુભાઈ તળપદાના દુ:ખદ નિધન બદલ સભાએ ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી. ભાજપ અને કોંગ્રેસના ૭૦ કોર્પોરેટરો પૈકી આજે બોર્ડમાં ૫૯ કોર્પોરેટરો હાજર રહ્યાં હતા. ત્યારે ૧૧ નગરસેવકોએ રજા રિપોર્ટ મુકયા હતા. ડિસેમ્બર માસમાં વર્તમાન ટર્મની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે આ અંતિમ જનરલ બોર્ડ હોય તેવું મનાઈ ર્હયું છે. જો કે, મહત્વપૂર્ણ કામો માટે મેયર ખાસ કે સામાન્ય બોર્ડ બોલાવી શકે છે. આજે બોર્ડમાં સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે છેલ્લા ૫ વર્ષના શાસન દરમિયાન ભાજપના શાસકોએ કરેલા વિકાસ કામોનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું.