શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મંજૂરી મળતાં કામગીરી હાથ ધરાઈ લોકોએ મંજૂરી ન આપવા કલેક્ટર કચેરીમાં રજૂઆત…
સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસ પાછળના વિસ્તારમાં મોબાઇલ ટાવર નાંખવાની હિલચાલ જોઇને રહીશો દ્વારા મોબાઇલ ટાવરના તરંગોથી થતા નુક્સાનને લઇને કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. ત્યારે બુધવારે લોકોના વિરોધ અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોબાઇલ ટાવર નાંખવાની કામગીરી કરાતા લોકો કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા.
સુરેન્દ્રનગરમાં મોબાઇલ ધારકોની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇ હેડ પોસ્ટ ઓફિસ પાછળ ટાવર નાંખવાની કામગીરી કરાતી હોવાથી ટાવરના તરંગોથી થતા નુક્સાનને ધ્યાને લઇ રહીશો દ્વારા કલેક્ટર કચેરીમાં તા. ૨૯-૧૧-૧૮ અને ૧૯-૧૧-૧૮એ રજૂઆત કરી હતી.
તેમ છતાં બુધવારે પોલીસ બંદોબસ્ત સાથે મોબાઇલ ટાવર નાંખવાની કામગીરી કરાતા ગુલામરસુલભાઇ સહિતના રહીશો કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા. જેમાં કલેક્ટર કે. રાજેશને મોબાઇલ ટાવરની મંજૂરી ન આપવા લેખિત રજૂઆત કરી હતી. પરંતુ સુરેન્દ્રનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મંજૂરી અપાતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટાવર નંખાતા રહીશોમાં રોષની લાગણી જોવા મળી છે.