એમએસએમઈ ઝોન હેઠળ રૂ.૩૭૮૦ અને સામાન્ય ઝોન હેઠળ રૂ.૫૭૩૦ પ્રતિ ચો.મી. દીઠ જમીનનો ભાવ નકકી કરાયો: પ્લોટ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ૧૫મી માર્ચ સુધી ચાલશે
ખીરસરા જીઆઈડીસીમાં પ્લોટ લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. જીઆઈડીસામાં કુલ ૪૫૦ પ્લોટ તૈયાર થનાર છે. જેના માટે ટૂંકા સમયગાળામાં જ ૯ હજાર જેટલી અરજીઓ મળી છે. આ પ્લોટમાં એમએસએમઈ ઝોન હેઠળ રૂ.૩૭૮૦ અને સામાન્ય ઝોન હેઠળ રૂ.૫૭૩૦ પ્રતિ ચો.મી. દીઠ જમીનનો ભાવ નકકી કરવામાં આવ્યો છે. પ્લોટ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી ૧૫ માર્ચ સુધી ચાલુ રહેશે.
રાજય સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે રાજયમાં જુદી જુદી જગ્યાએ જીઆઈડીસી સ્થાપવાનું નકકી કરવામાં આવ્યું છે. નાના ઉદ્યોગોને ઉત્તેજન મળી રહે તે માટે એમએસએમઈ પ્રકારના ઉદ્યોગો સ્થાપવાનું પણ નકકી કરાયું છે. તાજેતરમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લોધીકા તાલુકાના ખીરસરામાં નવી જીઆઈડીસી સ્થાપવાનું નકકી કરવામાં આવ્યું હતું. જેના માટે જિલ્લા કલેકટરે રૂ.૨૫૦૦ પ્રતિ ચો.મી.ના ભાવે જમીન મંજૂર કરી હતી પરંતુ આ ભાવ વધારે હોવાથી કલેકટર સમક્ષ જીઆઈડીસી દ્વારા ભાવ ઘટાડાની દરખાસ્ત કરવામાં આવી હતી જેના પગલે કલેકટરે આ દરખાસ્તને સરકારમાં મોકલતા સરકારે રૂ.૧૫૦૦ પ્રતિ ચો.મી.નો ભાવ ફાઈનલ કર્યો હતો.
ખીરસરા જીઆઈડીસામાં કુલ ૪૫૦ પ્લોટ તૈયાર કરવામાં આવનાર છે જેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ટૂંકા ગાળામાં જ ૪૫૦ પ્લોટ માટે ૯૦૦૦ જેટલી અરજીઓ મળી છે. આમ પ્લોટ ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આગામી ૧૫ માર્ચ સુધી ચાલુ રહેવાની છે.
ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના પરિપત્ર મુજબ ખીરસરા જીઆઈડીસીમાં એમએસએમઈ ઝોન હેઠળ ફાળવવામાં આવનાર જમીનનો ફાળવણી દર રૂ.૩૭૮૦ પ્રતિ ચો.મી. નકકી કરવામાં આવ્યો છે જયારે નોન એમએસએમઈ-સામાન્ય ઝોનમાં ફાળવવામાં આવનાર જમીનનો ફાળવણી દર રૂ.૫૭૩૦ પ્રતિ ચો.મી. નકકી કરવામાં આવ્યો છે. વધુમાં જણાવાયું છે કે, વસાહતમાં થનાર જમીન ખર્ચ તથા વિકાસ ખર્ચની વિગતો અંદાજીત છે. આ વિગતો ફાઈનલ થયા બાદ તફાવતની રકમ વસાહતા તમામ ફાળવણીદારો પાસેથી નિગમના નિતી નિયમ મુજબ અલગથી વસુલવામાં આવશે.