ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના અધ્યક્ષ અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ગુરૂવારે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.હોસ્પિટલના અધિકારીઓએ ગુરૂવારે આ જાણકારી આપી હતી.
જાણીતા કાર્ડિયોલોજિસ્ટ દેવી શેટ્ટીએ ગાંગુલીના તમામ ટેસ્ટની તપાસ કરવા અને હોસ્પિટલના ડોક્ટરો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે, ૪૮ વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટનને બે સ્ટેન્ટ લગાવવામાં આવ્યા છે.
એક સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે, ગાંગુલીની તબીયતનું આંકલન કર્યા બાદ અમે એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની ગાંગુલીને બુધવારે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ત્રણ સપ્તાહ અગાઉ ગાંગુલી પોતાના ઘરે કસરત કરી રહ્યા હતા ત્યારે તેમની છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ટેસ્ટ કરાવ્યા બાદ જાણવા મળ્યું હતું કે, તેમની ધમનીઓમાં ત્રણ બ્લોકેજ છે અને તેના માટે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા છે.