કેન્દ્રની વિવિધ આરોગ્ય સ્કીમો હેઠળ રૂ. 500 કરોડથી પણ વધુની રકમનું ચુકવણું બાકી હોવાનું આવ્યું સામે

ખાનગી હોસ્પિટલોએ સરકારની કેન્દ્રીય સરકારી આરોગ્ય સેવાઓ(સીજીએચએસ) યોજના હેઠળ દર્દીઓની સારવાર માટે ચૂકવણીમાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે. મેક્સ હોસ્પિટલે બીલનું ચુકવણું બાકી હોવાથી દર્દીઓની સારવાર બંધ કરી દીધાનું જાણવા મળી રહ્યું છે. કેટલીક અન્ય હોસ્પિટલો પણ આ  અનુસરી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.

12 મેના રોજ આરોગ્ય મંત્રાલય સાથેની બેઠકમાં ખાનગી હોસ્પિટલોએ 500 કરોડ રૂપિયાથી વધુનું બિલ લાંબા સમયથી બાકી હોવાનું ધ્યાને મૂક્યું હતું અને મંત્રાલયને તાત્કાલિક અસરથી ચુકવણી કરવા વિનંતી કરી હતી.

એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ ગિરધર જ્ઞાનીએ જણાવ્યું હતું કે, સીજીએચએસ તરફથી મોટી બાકી રકમ આયુષ્માન ભારત સહિતની સરકારી યોજનામાં જોડાવા માટે હોસ્પિટલો માટે પ્રતિકૂળ સાબિત થઈ રહી છે.

જ્ઞાનીએ જણાવ્યું હતું કે સરકારે આરોગ્ય ક્ષેત્રને ખાતરી આપી હતી કે ચૂકવણી ટૂંક સમયમાં જ ક્લીયર થઈ જશે પરંતુ હજુ સુધી આ ચુકવણી કરાઈ નથી જેના કારણે હોસ્પિટલો આર્થિક સંકટ અનુભવી રહી છે. જો કે, અધિકૃત સૂત્ર એવું માને છે કે બીલનું બાકી ચુકવણાને લીધે આરોગ્ય સેવાઓમાં કોઈ વિક્ષેપ નથી.

મેક્સ હેલ્થકેર ઉપરાંત સીજીએચએસ તરફથી મોટી બાકી ચૂકવણી ધરાવતી અન્ય હોસ્પિટલોમાં ઇન્ડિયન સ્પાઇનલ ઇન્જરીઝ સેન્ટર, આસામની ડાઉન ટાઉન હોસ્પિટલ, પુણેની રૂબી હોલ ક્લિનિક, ફોર્ટિસ, એપોલો અને અન્ય છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

સીજીએચએસ ચૂકવણી સમયસર થતી નથી અને તેના કારણે ઘણી તકલીફ થાય છે. અમે સરકારને આ સેવાઓ ખૂબ જ ઓછા દરે પૂરી પાડીએ છીએ અને પછી જો ચૂકવણીમાં વિલંબ થાય તો અમારે ઓપરેશનલ નુકસાન સહન કરવું પડે છે, તેવું ખાનગી હોસ્પિટલના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

આ મુદ્દો મહત્વ ધરાવે છે કારણ કે સરકારી અધિકારીઓ જેઓ સીજીએચએસ વીમા યોજનાના પ્રાથમિક લાભાર્થીઓ છે. જો ચુકવણીમાં વિલંબ ચાલુ રહે તો ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ વર્ષની શરૂઆતમાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં માહિતી આપી હતી કે, સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન સીજીએચએસ એમ્પેનલ્ડ હોસ્પિટલો સાથે રૂ. 1330 કરોડના દાવાઓનું સમાધાન કર્યું છે.  માંડવિયાએ એમ પણ કહ્યું હતું કે સરકાર તેમની સમસ્યાઓના નિરાકરણ માટે હોસ્પિટલો સાથે પરામર્શ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.