ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (સીએ)ફર્મને દુકાન અથવા વ્યાપારી સંસ્થાન ગણી શકાય નહીં પરંતુ તે વ્યાવસાયિક સંસ્થા છે અને તેના કર્મચારીઓ આમ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ (ઈએસઆઈ) લાભ યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી.
સીએ ફર્મ્સના કર્મચારીઓના સમાવેશ અંગેનો વિવાદ આઠ વર્ષથી ચાલી રહ્યો હતો, જ્યારે એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઈએસઆઈસી)એ આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ સર્વિસ નેટવર્ક, ડેલોઇટ હાસ્કિન્સ એન્ડ સેલ્સને મૂલ્યાંકન પછી રિકવરી નોટિસ જારી કરી હતી. ફર્મે તેને નોટીસને ઈએસઆઈ કોર્ટ સમક્ષ પડકારી હતી. જેણે 2016માં એવું માન્યું કે સીએ ફર્મ ઈએસઆઈસી એક્ટ હેઠળ આવરી લેવામાં આવતી નથી. જો કે તેણે આ મુદ્દાને પ્રાદેશિક નિયામકને પાછો મોકલ્યો જેથી વિવાદનું સમાધાન થયું ન હતું. આખરે ડેલોઈટે એડવોકેટ પલક ઠક્કર મારફત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
સીએ પેઢીને બોમ્બે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ હેઠળ આવરી શકાય નહીં : ગુજરાત હાઇકોર્ટ
ઈએસઆઈસી કાયદો શરૂઆતમાં ફેક્ટરી કામદારો માટે બનાવાયેલ હતો પરંતુ પાછળથી 10 કે તેથી વધુ કામદારો ધરાવતી તમામ સંસ્થાઓને તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવી હતી. રાજ્ય સરકારે તેની 2012ની નોટિફિકેશન તેમજ 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી વ્યાપારી સંસ્થાઓ પરના નિયમને ટાંક્યો હતો અને આવી સંસ્થાઓમાં દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
ડેલોઈટના વકીલોએ દલીલ કરી હતી કે સીએની ઓફિસએ એડવોકેટની ઓફિસ જેવી છે અને તે એક વ્યાવસાયિક સંસ્થા છે. જેને એડવોકેટ્સ એક્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ જેવા કેન્દ્રીય કાયદા દ્વારા આવરી લેવામાં આવે છે. સીએની વ્યાવસાયિક સેવાઓ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત થાય છે.
કેસની સુનાવણી કર્યા પછી જસ્ટિસ ભાર્ગવ કારિયાએ સીએ ફર્મની દલીલો સ્વીકારી અને અવલોકન કર્યું કે એક દુકાનથી વિપરીત જ્યાં સેવાઓ એક જગ્યામાંથી વેચવામાં આવે છે. સીએની સેવાઓ માત્ર ઓફિસ પરિસર સુધી મર્યાદિત નથી હોતી અને ગ્રાહકોના સ્થાનો પર પણ આપવામાં આવે છે. સીએ ફર્મ્સ માત્ર વૈધાનિક ઓડિટના કામમાં જ રોકાયેલી નથી, પરંતુ ટેક્સ કન્સલ્ટન્સી, નાણાકીય સલાહ અને જોખમ વ્યવસ્થાપન પણ પ્રદાન કરે છે. આમ સીએ ફર્મને બોમ્બે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ હેઠળ દુકાન અથવા વાણિજ્યિક સંસ્થાનની વ્યાખ્યામાં આવરી લેવામાં આવી શકતી નથી.