100 ટકા વેક્સિનેશન માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયો સુંદર અભિગમ
દિવ્યાંગ, શારિરીક રીતે અશક્ત અને પથારી વશ લોકોને હવે ઘરબેઠા કોરોનાની વેક્સિન આપવામાં આવશે. રાજકોટ મહાપાલિકા દ્વારા 100 ટકા વેક્સિનેશન માટે નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ચાલી રહેલ વેકસીનેશન કામગીરી અંતર્ગત શહેરને 100% વેકસીનેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. નિયત કોરોના વેકસીન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર-0281-2220600 પર ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેકસીન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 18 વર્ષથી મોટી ઉંમરના લોકો કે જેઓ દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત કે પથારીવશ છે જેમને કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લેવાનો હોય અથવા પ્રથમ ડોઝ લીધાન 84 દિવસ પછી બીજો ડોઝ લેવાનો થતો હોય અથવા કોવેક્સીન રસીનો બીજો ડોઝ લેવાનો થતો હોય તેઓએ હેલ્પલાઈન નંબર-0281-2220600 પર ફોન કરવાનો રહેશે જે માટે નીચેની વિગતોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લાભાર્થીઓને આ વ્યવસ્થાનો લાભ મળશે. લાભાર્થીએ હેલ્પલાઇન નંબર પર સવારના 09:00 થી સાંજના 05:00 વાગ્યા સુધી જ ફોનમાં વેકસીન લેનારની વિગત નોંધાવવાની રહેશે. હેલ્પલાઇન કંટ્રોલ રૂમમાંથી જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા વેકસીનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે.
વેકસીનના સ્ટોકની ઉપલબ્ધી, વેકસીન સેસનના સમય, જે-તે આરોગ્ય કેન્દ્રના લાભાર્થીની સંખ્યા વિગેરે બાબતો તથા વેકસીન ગાઈડલાઈનને અનુસરીને હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ 24 થી 48 કલાકમાં લાભાર્થીને ઘરે વેકસીન આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે.
જ્યારે પણ કોર્પોરેશનની વેકસીનેશન ટીમ ઘરે રસી આપવા માટે આવે ત્યારે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર તથા લીધેલ વેકસીનની વિગત સ્થળ પર અચૂકપણે રાખવાની રહેશે. મહાપાલિકાના નવા અભિગમમાં શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો નિ:શુલ્ક વેકસીનેશન સેવાનો લાભ લેવા મ્યુનિ. કમિશનર અમિત અરોર અપીલ કરવામાં આવી છે.