રાજકોટને 50 વર્ષમાં નથી મળ્યું તેટલું વિજયભાઈ રૂપાણીએ 4 વર્ષમાં આપી દીધુ છે: સ્ટે.ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓએ મહાપાલિકાના એકપણ કામ માટે કચેરી સુધી ધક્કો ખાવો ન પડે તે માટે આગામી દિવસોમાં તમામ સેવાઓ ઓનલાઈન કરવામાં આવશે. આ માટે બજેટમાં ખાસ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટને જે આપ્યું છે તે છેલ્લા 50 વર્ષ દરમિયાન શહેરને પ્રાપ્ત થયું નથી. આવનાર દિવસોમાં શહેરની વિકાસ યાત્રા વધુ વેગવંતી બને તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે. મહાપાલિકા દ્વારા 2008માં શરૂ કરવામાં આવેલા 24 કલાક ધમધમતા કોલ સેન્ટરનું હવે અપગ્રેડેશન કરવામાં આવશે. જેથી આ સેવા વધુ સુદ્રઢ બનશે. સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં 56.70 કરોડની 22 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઈ-લાઈબ્રેરી અને આરએમસી ઓન વોટ્સએપ તે પ્રોજેકટ ખુબજ મહત્વના છે. જે રીતે વિશ્ર્વ આખુ ડિજીટલ બની રહ્યું છે તેમાં રાજકોટ પાછળ ન રહી જાય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મહાપાલિકાની તમામ સેવા ઓનલાઈન કરી દેવામાં આવશે જેથી લોકોએ કચેરી સુધી ધક્કો ખાવો નહીં પડે.
તેઓએ ઉમેર્યું હતું કે, એ વાત સાચી છે કે, ટેકસને બાદ કરતા હાલ કોર્પોરેશનની પોતિકી કહી શકાય તેવી કોઈ આવક નથી અને વિકાસ સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારિત છે. આવામાં ખર્ચનું ભારણ ઘટે અને આવક વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. ખર્ચ અને પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા ઈલેકટ્રીક ગાડી ખરીદવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટમાં ટેકસની આવકનો લક્ષ્યાંક 340 કરોડનો લક્ષ્યાંકને પુરો કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે. અઢી વર્ષના બ્રેક બાદ તમને ફરી સ્ટેન્ડિંગ કમીટીનું પદ સોંપવામાં આવ્યું છે. આવામાં ગત ટર્મમાં કોઈ પ્રોજેકટ અધુરો રહી ગયો હોય તેને પૂરો કરવા માટેના પ્રયાસ કરવામાં આવશે કે કેમ તેવા સવાલના જવાબમાં પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકામાં સતત પ્રોજેકટો ચાલતા જ રહે છે અને મારા પછી ચેરમેન પદ સંભાળનાર ઉદયભાઈ કાનગડે પણ શહેરના વિકાસ માટે ખુબ જહેમત ઉઠાવી હતી. ભાજપના શાસકોએ તમામ પ્રોજેકટો સાકાર કર્યા છે. આવામાં કશુ અધુરૂ રહી ગયું હોય તેવું હાલ દેખાતું નથી પરંતુ બજેટમાં જે પ્રોજેકટ મુકવામાં આવ્યા છે તે ખરા અર્થમાં સાકાર થાય તેવા પ્રયત્નો ચોકકસ કરવામાં આવશે.