રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો ઉમેદવારો મેદાને ઉતર્યા છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો છે.
ત્યારે આજરોજ રાજકોટના વોર્ડ નં. 5માં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રભાઈ રૈયાણી દ્વારા સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભાજપ સરકાર દ્વારા વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવે છે. ભાજપ સરકાર પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ નીવડી છે, ત્યારે પ્રજા એક સૂરમાં કહી રહી છે કે ભાજપ આજે પણ નહીં અને ક્યારે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રજા હવે પરિવર્તન લાવશે. ભાજપ સરકારે યેનકેન પ્રકારે કાનૂન બનાવીને લોકોનું શોષણ કર્યું છે. માસ્ક અને હેલ્મેટ સહિતના દંડ ફટકારીને લોકોને હેરાન-પરેશાન કરી નાખ્યા છે. વર્તમાન સમયે લોકો પાસે ધંધાપાણી નથી, માંડ બે ટંકનું જમવાનું થાય છે ત્યારે નાના લોકો અંગે સરકાર વિચારતી નથી. અધૂરામાં પૂરું અવનવા દંડ ફટકારીને લોકો સામે સમસ્યાઓ ઊભી કરી રહી છે.