ગુજરાતની શાંતિપ્રિય જનતા કોંગ્રેસના આ ષડયંત્રને કયારેય સફળ થવા દેશે નહીં: જીતુભાઈ વાઘાણી
કોંગ્રેસ ગુજરાત વિરોધી ટોળુ એકત્રિત કરીને અનામતના નામે ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા ફેલાવવા માંગે છે પરંતુ ગુજરાતની શાંતિપ્રિય જનતા કોંગ્રેસના આ ષડયંત્રને કયારેય સફળ થવા દેશે નહીં. ભુતકાળમાં જે લોકો એવું કહેતા હતા કે, ઓબીસીમાંથી જ અનામત મળશે તો જ અમે સ્વીકારીશું તેને બદલે હવે આજ લોકો અનામતનો ‘અ’ પણ ઉચ્ચારતા નથી. અનામતના નામે પોતાના રાજકીય રોટલા શેકવા માંગતા લોકો ભલા ભોળા સમાજને છેતરવાનું બંધ કરે તેમ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મહામહીમ રાજયપાલને અપાયેલા આઠ પાનાના આવેદનપત્રમાં પણ કયાંય અનામતનો ઉલ્લેખ કર્યો નથી. વિધાનસભા ચુંટણી વખતે કોંગ્રેસે તૈયાર કરેલી અનામતની ફોમ્યુલા હજુ સુધી શા માટે કોંગ્રેસ જાહેર કરતી નથી. કોંગ્રેસને કહેવા માંગુ છું કે, તમારા જો સત્યનો એક અંશ પણ બચ્યો હોય તો રાહુલ ગાંધી ખુલ્લા પત્રમાં જાહેર કરે કે ઓબીસીમાંથી પાટીદારોને અનામત આપીશું. ચુંટણી વખતે રાહુલ ગાંધીને ખાનગીમાં મળવું, કોંગ્રેસમાં ટિકિટોની વહેંચણી પોતે કરી હોય તેવું જાહેરમાં બોલવું તથા કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને સાથે રાખવા તે દર્શાવે છે કે, અનામતની વાતો કરનારા માત્ર કોંગ્રેસના એજન્ટ છે અને કોંગ્રેસ પોતાનો રાજકીય મનસુબો પાર પાડવા માટે આવા ષડયંત્રો કરી રહી છે.
ભાજપાએ બિનઅનામત વર્ગ આયોગ/નિયમ, યુવા સ્વાવલંબન યોજના તથા ૧૦ ટકા ઈબીસીની જાહેરાતો દ્વારા સવર્ણ સમાજ માટે મહત્વના પગલાઓ લીધા છે. કોંગ્રેસ શાસિત એકપણ રાજયમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા હોય તો જાહેર કરે. કોંગ્રેસ અને તેના મળતીયાઓને મારી વિનંતી છે કે, ગુજરાતની શાંતિ ડહોળવાના હીન કૃત્યો બંધ કરે.