ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે તંત્રને એકટીવ મોડમાં લાવનાર ન્યાયમૂર્તિ જસ્ટીસ એમ.આર.શાહ પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે ટૂંકમાં ચાર્જ સંભાળશે
શહેરોમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે તંત્રને દોડતુ કરનાર ગુજરાત હાઈકોર્ટના વરિષ્ટ ન્યાયાધીશ એમ.આર.શાહની પટણા હાઈકોર્ટ ખાતે ચીફ જસ્ટીસ તરીકે બદલી થઈ છે. આ પ્રસંગે ન્યાયતંત્ર અને કાયદા શાખાના પદાધિકારીઓ અને સરકારના મહાનુભાવો તરફી તેમના પર અભિનંદન વર્ષા થઈ છે. તેમણે જતા જતા કહ્યું હતું કે, લોકોના વિશાળ હિત માટે કેટલાકને તકલીફ પડે તો તે પ્રજાના જ લાભમાં છે.
ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટીસ શાહનો અંતિમ દિવસ હતો. હવે તેઓ પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે કાર્યભાર સંભાળશે. ટ્રાફિક મામલે તેમણે આપેલા ચુકાદા અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, આ ટ્રાફિક ડ્રાઈવના કારણે અમુક લોકોને પરેશાની ઉઠાવવી પડી પરંતુ જો વિશાળ જનહિતની વાત હોય તો આ પ્રકારનો નિર્ણય લેવો પડે છે. મેં મારા ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે, જો ફેરીયાઓ માટે જગ્યા ઉપલબ્ધ હોય તો તંત્ર તેમને જગ્યા આપી શકે છે. તેમના માટે પણ પોલીસી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના ચુકાદાના કારણે અંદાજીત ૭૫૦૦ ફેરીયાઓ અસરગ્રસ્ત થયા છે. જેથી ફેરીયાઓના એસોસીએશન દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ કરવાની માંગ કરી છે.
તાજેતરના ચુકાદાની સરખામણીએ ૨૦૦૧માં આવેલ ધરતીકંપ બાદ ટાઉન પ્લાનીંગના ભાગરૂપે જગ્યાની ફાળવણી પર ભુજના દુકાનદારો જયારે સહમત નહોતા ત્યારે તેમના દ્વારા અપાયેલા ઓર્ડર અંગે જસ્ટીસ શાહે કહ્યું કે, હવે તમે કચ્છના શહેરોની સ્થિતિ જુઓ તે સમયના ચુકાદાના અદ્ભૂત પરિણામ મળ્યા છે. મજૂરો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે થયેલી તકરારનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, સરકારે વન ટાઈમ વળતર આપવાની તૈયારી બતાવી લગભગ ૫૪૬ મજૂરોને ૭ થી ૮ કરોડ રૂપિયાનું વળતર મળશે. હું હંમેશા બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરૂ છું.
બીજી તરફ જસ્ટીસ એમ.આર.શાહના વિદાય સમારંભનો બહિષ્કાર કરવાની ચીમકી આપનાર ગુજરાત હાઈકોર્ટના બાર એસો.ના પ્રમુખ યતીન ઓઝાએ હવે વિરોધ નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી છે. પરિણામે હવે કોઈ વિવાદ નહીં થાય તેવું જણાય આવે છે. ન્યાયમૂર્તિ એમ.આર.શાહની પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે બદલી થતાં હવે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની સંખ્યા ૨૮ થઈ ગઈ છે.