ગ્રામ્ય વિસ્તારોમાં જૂના મકાનોના સમારકામ અને નવા મકાનો બાંધવાનું ધમધોકાર ચાલતું કામ
લોકોને શહેરોની તુલનામાં ગામડાઓ વધુ સલામત લાગે છે, ખુલ્લી હવા અને ખુલ્લા વિસ્તારના કારણે સંક્રમણ ઓછુ ફેલાતું હોવાથી સુરક્ષિત રહેવા લોકોએ ગામડા તરફ વાટ પકડી
ગુજરાતના મહાનગરો અમદાવાદ વડોદરા, સૂરત, રાજકોટ વગેરે શહેરોમાં કોરોનાની મહામારી જીવલેણ બનવા લાગતા છેલ્લા કેટલાક સમયથી શહેરોમાં વસતા લોકોએ ફરી પોતાના વતન એવા નાના-મોટા ગામડાઓની વાટ પકડી છે અને શહેરો કામચલાઉ ધોરણે છોડી લોકો ફરી શહેરો કામચલાઉ ધોરણે છોડી લોકો ફરી ગામડાઓમાં વસવાટ કરવા લાગ્યા જૂના બિસ્માર થઇ ગયેલા મકાનોને પાડી નવા મકાનો બાંધેવાના કામ હાલ પૂરજોશથી ચાલી રહ્યા છે.
મહામારીના આ કપરા કાળમાં શહેરોની તુલનામાં ગામડાઓ વધુ સલામત લાગતા હોવાથી અને ખાસ તો ખુલ્લી હવા અને ખુલ્લા વિસ્તારને કારણે સંક્રમણ ઓછુ ફેલાતું હોવાથી સુરક્ષિત રહેવા શહેરોમાં ધંધો-રોજગાર માટે સ્થિર થયેલા લોકો શહેરો છોડી ગામડાઓમાં વસવાટ કરવા આવી ગયા છે. આથી ગામડાઓની જમીન-મકાન માર્કેટમાં પણ થોડી તેજી આવી છે. બાંધકામ ઉદ્યોગ ગામડાઓમાં ધમધમવા લાગ્યો છે. ગામડાઓની વસતી પણ અગાઉની સરખામણીમાં વધી ગઇ છે. તેથી સ્થાનિક વેપાર-ધંધા પણ વધ્યા છે. મહામારીને કારણે મહાનગરોમાં વેપાર-ધંધા ઠપ્પ થઇ જતા ઘણા લોકો કામચલાઉ તે છોડી ગામડાઓમાં આવી બાપ દાદાના વ્યવસાય એવા ખેતીમાં પ્રવૃત થઇ ગયા છે. છેલ્લા સવા વર્ષથી કોરોનાની મહામારીએ ગુજરાતના મુખ્ય મહાનગરો સૂરત, વડોદરા, અમદવાદ અને રાજકોટ, જામનગર, ભાવનગર વગેરેને પોતાના અજગર ભરડામાં લીધા છે. શહેરોમાં ગીચતા વધુ હોવાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. આ સંજોગોમાં ‘જાન બચી તો લાખો પાયે’ એ કહેવત મુજબ મનક મને પણ શહેર છોડી ગામડાઓ પાછા આવી ગયા છે. તેથી ગામડાઓ પાછા માણસોથી હર્યાભર્યા થવા લાગ્યા છે. ગયા વર્ષનું ચોમાસું પ્રમાણમાં સારું રહેતા શહેરમાંથી બેકાર બનેલા લોકો ગામડાઓમાં આવી ખેડીવાડીમાં પાછા જોડાઇ ગયા છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ વગેરે જીલ્લાઓના ગામડાઓના ઘણા લોકો ધંધા-રોજગાર માટે સૂરત વધુ સ્થિર થયેલા. કેટલાક અમદાવાદ તો ઘણા વડોદરામાં પણ સ્થિર થઇ ગયેલા તેમાં સૂરતમાંથી સેંકકો લોકો કોરોના મહામારી પછી ગામડા તરફ શરૂ થયેલા આ સ્થળાંતરને કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓની વસ્તી વધી છે. ખાલીખમ ગામડાઓ માણસોથી હર્યાભર્યા થયા છે.ગામડાઓમાં ઘણા લોકો ગામમાં રહેવાને બદલે સીમમાં આવેલ પોતાના ખેતરમાં જ મકાનો બાંધી રહે છે. આવી રીતે સીમમાં વસવાટ વધવા લાગ્યો છે.
શહેરી લોકોની વસ્તી વધતા ગામડાઓમાં સંક્રમણ વધ્યું
કોરોનાની મહામારીને પગલે શહેરોમાંથી લોકો ગામડા તરફ પાછા વળવા લાગતા ઘણા ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને કોરોનાના કેસોની સંખ્યા ગામડાઓમાં પણ વધવા લાગી છે. કોરોનાની શરૂઆતની પહેલી લહેર વખતે મોટા ભાગના ગામડામાં કોરોનાની કેસોની સંખ્યા નહિવત હતી. ભાગ્યે જ કોઇ ગામાં કોરોનાનો કેસ જોવા મળતો. પરંતુ કોરોનાની તાજેતરની પરિસ્થિતીમાં ગામડાઓ પણ હવે સુરક્ષિત રહ્યા નથી. ગામડાઓમાં પણ કોરોના કેસોની સંખ્યા વધતી જાય છે. પરિસ્થિતિ પારખીને અમુક જાગૃત ગ્રામજનોએ પોતાના ગામમાં સ્વયંભુ લોકડાઉન લાદી દીધું છે. અજાણ્યા લોકોને ગામમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયા છે.