પીપળી ગ્રામપંચાયત દ્વારા કલેકટર,એસપીને રજુઆત કરવા છતાં પગલાં ન લેવાતા અંતે જનતા આગબબુલા
મોરબી તાલુકાના પીપળી ગમે છેલ્લા એક દોઢ વર્ષથી જાહેરમાં ચાલતા દેશીદારૂના હાટડા ઉપર આજે ગ્રામપંચાયત્ન સરપંચ,ઉપસરપંચ,સદસ્યો અને ગ્રામજનોએ સાથે મળી જનતા રેડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામમાં ગામની નજીક જ છેલ્લા એક દોઢ વર્ષથી ત્રણ થી ચાર જગ્યાએ ખુલ્લે આમ દિવસ રાત દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હોય નાના એવા ગામમાં અનેક યુવાનો વ્યસનના રવાડે ચડી જતા ગામસમસ્ત દ્વારા ગ્રામપંચાયતના હોદ્દેદારોની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિકારીને દારૂના હાટડા બંધ કરાવવા રૂબરૂ આવેદનપત્ર આપ્યું હતું.
પરંતુ આવેદનપત્ર આપ્યાને એકાદ માસ જેટલો સમય વીતવા છતાં પોલીસ કે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પગલાં ભરવામાં ન આવતા દેશીદારૂના ધંધાર્થીઓ બેખોફ બની ખુલ્લેઆમ દારૂની મીની ફેકટરી સમાન હાટડા ચાલુ રાખ્યા હતા.
દરમિયાન આજે પીપળી ગામના સરપંચ પ્રવિણસિંહ સતુભા ઝાલા અને ઉપસરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ દારૂની ચાલુ ભઠ્ઠીઓ ઉપર ત્રાટકયા હતા અને દારૂ બનવવાની સાધન સામગ્રી,આથો અને તૈયાર દેશીદારૂના જથ્થાનો નાશ કર્યો હતો.
વધુમાં પીપળી ગામના સરપંચ પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પંચાસર ગામના દેવીપૂજક શખ્સો દ્વારા આ દારૂના હાટડા ચલાવવામાં આવતા હતા જે બંધ કરાવવા તંત્રને રજુઆત કરવામાં આવી હતી.
પણ પોલીસે પગલાં ન લેતા ના છૂટકે ગ્રામજનોને જનતા રેડ કરવી પડી છે આજે દારૂના હાટડાનો સફાયો કરાયો છે અને હજી પણ બેથી ત્રણ જગ્યાએ આવા દેશીદારૂના હાટડા ચાલે છે તેનો સફાયો કરવામાં આવશે.
અંતમાં સરપંચ પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગામની આજુબાજુ માં સીરામીકના કારખાના શરૂ થાય બાદ પરપ્રાંતીય મજૂરોના કારણે અમારા ગામમાં દેશી દારૂના હાટડા શરૂ થયા છે અને આ દુષણને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે.