મોહનનગર, નારાયણનગરના સ્થાનિકોને સમજાવતા મામલો થાળે પડયો: ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી સહિતના આગેવાનો રહ્યા સાથે
જામનગરના ગુલાબ નગર નજીકના મોહનનગર વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્ને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, અને સ્થાનિક રહેવાસીઓના નિચાણવાળા ઘરમાં પાણી ઘૂસ્યા હતા અને ડ્રેનેજ ચોકઅપ થતાં રાત્રિ ભર જલ ભરાવ રહ્યો હોવાથી લોકો આગ બબુલા થયા હતા, અને વિરોધ પ્રદર્શન કરવાના ભાગરૂપે ગુલાબ નગર માર્ગે ચક્કાજામ કર્યો હતો.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગરના 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના અગ્રણી જીતુભાઈ લાલ વગેરે દોડી ગયા હતા અને લોકોને સાંત્વના આપી હતી, ઉપરાંત ગુલાબ નગર નજીકના મોહનનગર અને નારાયણ નગર વિસ્તારની મુલાકાત લીધી હતી.
સ્થાનિકોની પરિસ્થિતિ જોવા માટે તેમજ મદદ માટે ઘટના સ્થળે જામનગર મહાનગર પાલિકાની ટીમને પણ બોલાવી લીધી હતી.
આ ઉપરાંત જલ ભરાવ મુદ્દે કેટલાક નાગરિકોએ ગુલાબ નગર રોડ પર ચક્કાજામ પણ સર્જી દીધો હતો. જેના કારણે વાહનના થપ્પા લાગી ગયા હતા. જોકે મહાનગરપાલિકા નું તંત્ર ઉપરાંત પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મામલો થાળે પાડવાના પ્રયત્નો કર્યા હતા. જામનગર મહાનગરપાલિકા ના ઇન્ચાર્જ ડીએમસી ભાવેશ જાની તેમજ અન્ય અધિકારી તથા કર્મચારીઓની ટુકડી પણ નારાયણનગર અને મોહનનગર વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
પાણી પ્રશ્નના કાયમી ઉકેલની માંગણી સાથે ચાર સોસા.ના રહેવાસીઓના કલેકટર કચેરીએ ધરણા
જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર, નારાયણ નગર, હરિદ્વાર પાર્ક, ગુરુદ્વારા સોસાયટી સહિતના અંદાજે 6000 જેટલા રહેવાસીઓ કે જો લોકો ને પાણી ભરાવાનો પ્રશ્ન છે, જેને લઈને આજે કલેકટર કચેરીએ ઘરણાં પર બેઠા હતા. ત્યારબાદ મ્યુનિ. કમિશનર ને પણ રજૂઆત કરાઇ છે.
તાજેતરમાં ભારે વરસાદ પડવાથી ગુલાબ નગર નજીકની જુદી જુદી ચાર સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, અને લોકોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. દરમિયાન તમામ રાજકીય આગેવાનોએ અને મહાનગરપાલિકાના તંત્રએ આવીને હૈયા ધારણા આપી હતી, અને હંગામી ધોરણે પાણીનો નિકાલ થયો હતો. પરંતુ વધુ વરસાદ થાય તો ફરીથી આ સોસાયટીઓમાં પાણી ભરાવાની શક્યતા છે, અને કાયમી ઉકેલ ની માંગણી સાથે સ્થાનિક નાગરીકો ફરીથી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર ને રજૂઆત કરી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા એક પાળો અને દિવાલ નો ભાગ તોડીને પાણીના નિકાલ માટે નો રસ્તો કર્યો હતો, ત્યારબાદ લોકો પોતાના ઘેર પાછા ફર્યા હતા, અને ધીમે ધીમે પાણી ઓસરાવાથી હાલ પૂરતો પ્રશ્ન હલ થયો છે.
વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોમાંં સ્થિતિ પૂર્વવત કરવા કૃષિ મંત્રીએ અધિકારીઓ આપ્યા સુચનો
જામનગર શહેરમાં થયેલ ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની રજૂઆતો મળતા મંત્રી રાઘવજીભાઈ પટેલે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ લોકોને પડી રહેલ હાલાકીનું નિવારણ લાવવા જામનગર મહાનગરપાલિકા ખાતે પાણીના નિકાલ સહિતની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અંગે મહાનગરપાલિકાના પદાધિકારી ઓ તથા અધિકારી ઓ સાથે તાકીદની બેઠક યોજી હતી.
મંત્રી એ બેઠકમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડા દરમિયાન તંત્રએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી જેની હકારાત્મક નોંધ સમગ્ર રાજ્યમાં લેવાઇ ત્યારે હાલ વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયાં છે ત્યાં પણ જરૂરી સંસાધનો સાથે એ જ પ્રકારે કામગીરી હાથ ધરી લોકોને મદદરૂપ થવાની જરૂર છે. વિસ્તારોમાં ભરાયેલ પાણીના નિકાલ માટે તાત્કાલિક ટીમોની રચના કરી, કાદવ કીચડ દૂર કરી, જરૂરી દવાઓનો છંટકાવ કરવા પણ મંત્રી એ જણાવ્યું હતું તેમજ જો કોઈએ પાણીના વહેણ પર વ્યક્તિગત દબાણ કરેલ હોય તો કડક કાર્યવાહી હાથ ધરી દબાણકર્તાના ખર્ચે જ એ અવરોધ રૂપ દબાણ દૂર કરી પાણીના નિકાલની જરૂરી વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી.વધુમાં હવામાન વિભાગની આગાહી તેમજ એલર્ટને પણ ધ્યાને લઈ જરૂરી આગોતરા આયોજન કરવા મંત્રી એ સૂચન કર્યું હતું. આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા,મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઇ સહિતના પદાધિકારી ઓ તથા અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રાફિકજામના કારણે એમ્બ્યુલન્સ ફસાઇ
મોહનનગર વિસ્તારના લોકોએ પાણી ભરાવવાના પ્રશ્ને ટ્રાફિક જામ કરી દેતાં વાહનોની કતાર લાગી ગઈ હતી. તેની વચ્ચે એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, અને નીકળવાનો રસ્તો નહીં મળતાં ટ્રાફિક જામની વચ્ચે રોકાવાનો વારો આવ્યો હતો. જો કે પાછળથી પોલીસે વાહન વ્યવહાર મુક્ત કરાવ્યો હતો.