પાણીના ટેસ્ટીગમાં ધોળીધજા ડેમનું પાણી પોષકની ઉણપવાળુ હોવાનું સામે આવ્યું
જળ એજ જીવન અમૃત સમાન પાણીમાં જ પોષક તત્વોની ખોટ સુરેન્દ્રનગર – વઢવાણના લોકો માટે રોગને નોતરુ આપનાર બની રહ્યું છે.સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર અને વઢવાણની જનતાને દરરોજ પીવાનું પાણી મળી રહે છે.આ પાણી નર્મદા કેનાલ થકી ડેમમાં ઠાલવવામાં આવે છે. ત્યારે શહેરીજનોને પીવાના અપાતા પાણીમાં પોષક તત્વોની માત્રા ઓછી હોવાનું શહેરના યુવાનોએ જલ ભવનમાં કરાવેલા રીપોર્ટમાં બહાર આવ્યુ છે. વિશ્વ જલ દિવસના દિવસે સામે આવેલી આ માહીતીથી શહેરીજનો પોષકતત્વો વગરનું પાણી પીતા હોવાથી અનેક પ્રકારના રોગને નોતરૂ પણ આપી રહ્યા છે.
સુરેન્દ્રનગર શહેરના પરેશ વ્યાસ, યુસુફ મેતર અને કલ્પેશ શાહ સહીતના યુવાનોએ શહેરમાં વીતરણ થતા પાણીનું સેમ્પલ લઈ શહેરના રાજકોટ રોડ પર આવેલ જલ ભવનમાં ટેસ્ટીંગ કરાવ્યુ હતુ. આ પાણીના રીપોર્ટ આવતા ચોંકાવનારી માહીતી બહાર આવી છે. જેમાં સુરેન્દ્રનગર શહેરના લોકોને પીવાનું જે પાણી આપવામાં આવે છે. તેમાં કેલ્શીયમ, મેગ્નેશીયમ, સલ્ફાઈટ, નાઈટ્રેટ, ફલોરાઈડ, આલ્કાલીનીટી જેવા તત્વોની માત્રા જરૂરીયાત હોય તેના કરતા તદ્દન ઓછી દર્શાવવામાં આવી છે. આ કોઈ ખાનગી લેબનો રીપોર્ટ નથી પરંતુ સરકારની પાણી પુરવઠા કચેરીમાં ચાલતી સરકારી લેબોરેટરીનો રીપોર્ટ છે.
શહેરના આ યુવાનોએ પોતે પૈસા ખર્ચીને રીપોર્ટ કરાવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણના 2.50 લાખથી વધુ શહેરીજનોને અપાતા પીવાના પાણીમાં કલોરીનેશન પણ ન કરવામાં આવતુ હોવાનું રીપોર્ટમાં દર્શાવાયુ છે. પોષકતત્વોની ઉણપવાળુ પાણી પીવાથી શહેરીજનો અનેક પ્રકારના રોગને નોતરૂ આપી રહ્યા છે. ત્યારે વિશ્વ જલ દિવસના દિવસે બહાર આવેલી આ માહીતી શહેરીજનોને ચિંતામાં મુકી દે તેવી છે.
દ્રવ્યોની ઊણપથી અનેક પ્રકારના રોગો થઈ શકે. શહેરના યુવાનોએ જે પાણીનો રીપોર્ટ કરાવ્યો તે વરસાદનુ નર્મદા ડેમ થકી કેનાલ વાટે આવતુ પાણી છે. ત્યારે જો શહેરમાં વીતરણ કરવામાં આવતા મીનરલ વોટરનો રીપોર્ટ કરાવાય તો આનાથી પણ ઓછા પોષક તત્વો હોય તેવુ જાણકારોનું માનવુ છે. કેમ કે, મીનરલ વોટરની પ્રોસેસ દરમીયાન પાણીમાંથી પોષક તત્વો નીકળી જાય છે.
પોષકતત્વો વિનાનું પાણી જોખમી: ડો.રૂદ્રદત્તસિંહ ઝાલા
આ અંગે સુરેન્દ્રનગરના અગ્રણી ડો.રૂદ્રદત્તસીંહ ઝાલાએ જણાવ્યુ કે, પાણીમાં પુરતી માત્રામાં તત્વો ન હોવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો થઈ શકે છે. જેમ કે, હાડકા નબળા પડી શકે છે. કીડની અને ફેફસાના રોગો થાય છે. આ ઉપરાંત દાંત પણ નબળા થઈ શકે છે. જયારે ચામડી અને વાળના રોગો પણ થઈ શકે છે. જયારે શરીરના દરેક અંગોને લોહી પુરતુ ન મળતા પીએચ ટેમ્પરેચર પણ મેઈન્ટેન થતુ નથી.