ટ્રેન અને બસ મારફત જામનગર પહોંચ્યા, પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ: લોકો હાઈવે પર ૭:૩૦ કલાક બેસી રહ્યા હતા

ફેની વાવાઝોડાનાં કારણે ટ્રેન રદ થતાં જગન્નાથપુરીમાં હાઈવે પર ફસાયેલા જામનગરનાં ૩૭૮ યાત્રિકો રાયપુર સલામત રીતે પહોંચ્યા બાદ બસ અને ટ્રેન મારફત જામનગર પરત ફરતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. યાત્રિકો પરત ફરતાં પરિવારજનોની આંખોમાં હર્ષનાં આંસુ જોવા મળ્યા હતા. રાયપુર વહિવટીતંત્ર દ્વારા તમામ યાત્રિકો માટે રહેવાની, ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રિકો પરત ફરતા જિલ્લા વહિવટીતંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

૧૫૨ યાત્રિકો રાયપુરથી મંગળવારે સવારે ૯:૩૦ કલાકે ટ્રેનમાં જામનગર આવવા નીકળ્યા જે મંગળવારે પહોંચ્યા હતા. જયારે ૫૦ યાત્રીઓ સીધા કલકતાથી જામનગર બસ દ્વારા પહોંચ્યા હતા અને ૧૪ યાત્રિકો ફલાઈટમાં વાયા દિલ્હી થઈ જામનગર પહોંચ્યા હતા. વાવાઝોડાનાં કારણે ફસાયા બાદ મંગળવારે જામનગર પરત ફરેલા મોહનભાઈ ચુડાસમા અને તેમના પત્ની લીલાવતીબેને જણાવ્યું હતું કે, ગંગાસાગરથી જગન્નાથપુરીથી પરત ફરતી વેળાએ વાવાઝોડાનાં કારણે હાઈવે પર રાત્રીના અંધારામાં ૭:૩૦ કલાક બેસી રહેવું પડયું હતું. પાણી કે જમવાની કોઈ વ્યવસ્થા ન હતી. બસ ભાડામાં ઉઘાડી લુંટ ચલાવવામાં આવી હતી. ભુવનેશ્વર પહોંચવા વ્યકિત દીઠ ૧૦,૦૦૦ દેવાની ફરજ પડી હતી. ૫ કિમીનાં રૂ.૮૦૦ અને ૪૦ કિમીનાં રૂ.૧૦,૦૦૦ દેવા પડયા હતા.

જામનગરથી યાત્રાસંઘમાં જગન્નાથપુરી ગયેલા અને મંગળવારે પરત ફરેલા ગણપતભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાનાં કારણે ટ્રેનો રદ થતાં બસ અને રીક્ષા ચાલકોએ યાત્રિકોને રીતસર લુંટયા હતા. ૫ કિમીનાં રૂ.૮૦૦ અને ૪૦ કિમીના રૂ.૧૦,૦૦૦ લીધા હતા. જગન્નાથપુરીમાં પાણી, ભોજન સહિત કોઈ સુવિધા ન હોય લોકોએ લુંટફાટ ચલાવી હતી. રાયપુર પહોંચ્યા બાદ જામનગર જિલ્લા વહિવટીતંત્રની કાર્યવાહીથી નાસ્તા, ભોજન, રહેવા સહિતની તમામ સુવિધા મળી હતી.

યાત્રિકો પરત ફરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયાIMG 20190508 203228

શહેરનાં રણજીતનગર વિસ્તારમાં આવેલા એક ટુર ઓપરેટર સાથે જગન્નાથપુરી ગયેલા ૩૭૮ જેટલા જામનગરવાસીઓ પુરીથી ૨૦ કિલોમીટર દુર કોલકતા હાઈવે પર ફેની વાવાઝોડાનાં કારણે ટ્રેનો રદ થયા બાદ ફસાતા પરીવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. બીજીબાજુ જિલ્લા વહિવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ત્યાંના વહિવટીતંત્ર સાથે સંકલન સાધી જામનગરનાં તમામ લોકોને સલામત રીતે પરત લાવવા કાર્યવાહી હાથધરી હતી. જે અંતર્ગત જામનગરનાં તમામ ૩૭૮ યાત્રિકો સોમવારે બપોર સુધીમાં સલામત રીતે રાયપુર પહોંચી ગયા હતા જયાં રાયપુર વહિવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.