સાધુ સંતો, વૈષ્ણવ સંપ્રદાય, કૃષ્ણપંથી ભક્તો, ઇસ્કોન મંદિરનાં અનુયાયીઓ સહિતના લોકોને બસ મારફત મેળામાં લઈ જવાની ગોઠવાતી વ્યવસ્થા : સાંજે જિલ્લા કલેકટર સાથે સંપ્રદાયના પ્રતિનિધિઓની બેઠક
રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં માધવપુરના મેળા અંગે સાંજે જિલ્લાના વિવિધ હિન્દૂ સંપ્રદાયના વડાઓ તેમજ પ્રતિનિધિઓની બેઠક યોજાનાર છે.
આ વર્ષે માધવપુરના મેળાનું આયોજન 30 માર્ચથી 03 એપ્રિલ સુધી કરાયુ છે. આ વખતે મેળામાં દેશના નવ રાજ્યોના લોકો ભાગ લેશે. આ સાંસ્કૃતિક મેળાના આયોજનનો મુખ્ય હેતુ પ્રવાસન, હસ્તકલા અને ખાનપાને ઉત્તેજન આપવાનો છે.આ વર્ષના મેળાના આયોજન અંગે તથા તમામ વ્યવસ્થા વિશે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વધુમાં આ મેળા માટે રાજકોટ જિલ્લાને 70 બસ ફાળવવવામાં આવશે. જેના થકી સાધુ સંતો, વૈષ્ણવ સંપ્રદાય, કૃષ્ણપંથી ભક્તો, ઇસ્કોન મંદિરનાં અનુયાયીઓ સહિતના લોકો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જિલ્લામાં અભ્યાસ કરતા ઉતર પૂર્વ ભારતના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા અંગે સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લાના ખાનગી પ્રવાસન આયોજકોને સામેલ કરી ખાસ સુવિધા પૂરી પાડવામાં આવશે. મેળાનો મુખ્ય પ્રસંગ એટલે રુક્મણિજીના વિવાહ, દરિયાકાંઠે રેત શિલ્પકારોની કલાનું પ્રદર્શન વગેરે અંગે હાલ તૈયારીઓ ચાલી રહી છે.
તેવામાં આજે સાંજે જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના હિન્દૂ સમાજના વિવિધ સંપ્રદાયોના પ્રતિનિધિઓ સાથે આજે બેઠક યોજવામાં આવનાર છે.