રાજકોટમાં નોંધાયેલા કોરોનાના ચાર શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા, આઇસોલેશનમાં રહેલા એકમાત્ર જંગલેશ્વરના કોરોનાગ્રસ્ત યુવાનની તબિયત પણ સુધારા ઉપર
ગુજરાતીમાં કહેવત છે કે ચેતતો નર સદા સુખી.. આ કહેવત ગુજરાતમાં ચરિતાર્થ થવા જઈ રહી છે. રાજ્ય સરકારે પરિસ્થિતિ ભાપીને અગાઉથી જ આગમચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું હતું અને લોકોને કડકાઇથી સૂચનાઓનું પાલન કરવાનું શરૂ કર્યું હતું. જેના પગલે હાલ ગુજરાતમાં સ્થિતિ કાબુ ઉપર છે. રાજકોટમાં જે ચાર શંકાસ્પદ કેસ આવ્યા હતા તે પણ નેગેટિવ આવ્યા છે જેથી આરોગ્ય તંત્રએ નિરાંતનો શ્વાસ લિધો છે.
હાલ સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં સપડાય ગયું છે. જોત જોતામાં કોરોના ગુજરાતમાં પણ પ્રવેશી ગયું છે. ત્યારે બીજા દેશોએ કોરોનાના ત્રીજા સ્ટેજ ઉપર પહોંચ્યા બાદ જે પગલાં લીધા હતા. તે પગલાં રાજય સરકારે અગાઉથી ચુસ્તપણે લેવાનું શરૂ કર્યું હતું. બે દિવસ પૂર્વે મોટાભાગના શહેર- જિલ્લાઓમાં કલમ ૧૪૪ લગાવવામાં આવી હતી. ઘણા શહેરોને લોકડાઉન પણ કરવામાં આવ્યા હતા. બાદમાં ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે લીધેલા આ વિવિધ પગલાંને લીધે સમગ્ર રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે.
રાજકોટમાં કોરોનાના ૪ શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. આ ચારેય દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં તેમના રિપોર્ટ જામનગર ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જો કે આ રિપોર્ટ ગઈકાલે સાંજે આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેથી હવે આઇસોલેશન વોર્ડમાં જંગલેશ્વરનો કોરોનાગ્રસ્ત યુવાન જ બચ્યો છે. તેની પણ તબિયત સુધારા ઉપર હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
વધુમાં જુનાગઢથી કોરોના સંદર્ભે મોકલાયેલા શંકાસ્પદ સેમ્પલના આજે બંન્ને રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે.
તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં કોરોના અંગે કુલ ૧૭૫ કેસો તપાસવામાં આવ્યા છે, જેમાં જુનાગઢ શહેરમાં ૮૪ અને તાલુકા કક્ષાએ ૯૧ નો સમાવેશ થાય છે, જેમાંથી જૂનાગઢ શહેરના ૮૨ મળી કુલ ૧૬૫ વ્યક્તિઓને ઓબઝેરવેશન હેઠળ રખાયા છે, અને ૧૦ વ્યક્તિઓએ ૧૪ દિવસની કવોરોનતાઈન અવધિ પૂરી કરી લીધી છે.
સોમવાર સાંજ સુધીના પ્રાપ્ત થયેલ સત્તાવાર વિગતો મુજબ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા સાથે શરૂ કરાયેલ આઈશોલેશન વોર્ડમાં એક દર્દીને કોરોના ના શંકાસ્પદ દર્દી તરીકે સારવારમાં લેવામાં આવ્યો છે, અને અત્યાર સુધીમાં કુલ ૩ દર્દીઓને આઈશોલેશન વોર્ડમાં દાખલ કરાયેલ હતા.
દરમિયાન કોરોના ના લક્ષણ ધરાવતા જિલ્લાના ૨ સહિત કુલ ૪ મળી અત્યાર સુધીમાં ૬ સેમ્પલ કોરોના ના પરીક્ષણમાં મોકલવામાં આવ્યા હતા જેમાંથી ૪ ના રિપોર્ટ રવિવારે જ નેગેટિવ આવી ગયા હતા અને ગઇકાલે સોમવારે બાકી ૨ રિપોર્ટ પણ નેગેટિવ આવી જતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજે ૧ દર્દી સહિત ૩ દર્દીઓ દાખલ છે, અને જૂનાગઢના ૧ સહિત ૩ વ્યક્તિઓને કોરોંતાઇન્ન ફેસેલિટી માં રાખવામાં આવ્યા છે.
જ્યારે જિલ્લાના ૮૦ અને શહેરના ૭૯ મળી કુલ ૧૫૯ વ્યક્તિઓને હોમ કાવોરોંતાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.
મોરબીમાં કોરોનાના ચાર શંકાસ્પદ કેસ: રીપોર્ટની જોવાતી રાહ
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે મોરબીમાં હજુ સુધી એકપણ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી જોકે ગઈકાલે સવારના સુમારે બે શંકાસ્પદ વ્યક્તિને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ આજે વધુ બે શંકાસ્પદ વ્યક્તિને આઈસોલેશનમાં દાખલ કર્યા છે અને એક જ દિવસમાં ચાર શંકાસ્પદ કેસોથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. મોરબીમાં કુલ ચાર વ્યક્તિને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને બંને યુવાનોના સેમ્પલ લઈને જામનગર મોકલવામાં આવ્યા છે તો વધુ ચાર શંકાસ્પદ કેસ મામલે સિવિલ હોસ્પિટલના આરએમઓ સરડવાએ જણાવ્યું હતું કે બે વ્યકિત વિદેશથી આવેલા હતા. બીજા બે વ્યકિત સ્થાનિક છે જે વિદેશ કે અન્ય રાજ્યમાં ગયેલ ના હતા જોકે તેને શરદી ઉધરસ વધુ હોય અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તકેદારીના ભાગરૂપે આઈસોલેશનમાં રાખી તેના સેમ્પલ રીપોર્ટ માટે મોકલ્યા છે.