માધાપર, મોટામવા, મુંજકા અને ઘંટેશ્ર્વરને પ્રાથમિક સુવિધા આપવી મહાપાલિકા માટે બની રહેશે સૌથી મોટો પડકાર

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વર ગામોને ભેળવવાની દરખાસ્તને ગઈકાલે રાજય સરકાર દ્વારા મંજુરીની મહોર મારવામાં આવતા ગામડામાં વસવાટ કરતા લોકોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે. આજે ચારેય ગામનાં લોકોએ શહેરનાં અયોઘ્યા ચોક ખાતે આ નિર્ણયનાં વધામણા કર્યા હતા. એકબીજાનાં મોં મીઠા કરાવી હર્ષની લાગણી વ્યકત કરી હતી અને આતશબાજી પણ કરી હતી.

મહાપાલિકામાં વર્ષો પહેલા ભળેલા વિસ્તારોને પણ હજુ સુધી અમુક સુવિધાઓ પ્રાપ્ત થઈ શકી નથી જયારે નવા ભળેલા પાંચ ગામોને સુવિધા આપવી તંત્ર માટે મોટો પડકાર બની રહેશે. બીજી તરફ કોર્પોરેશનની હદમાં ૪ ગામો ભળતાની સાથે જ તેઓની મિલકતો પર આજથી ટેકસનું મીટર ચડવાનું શરૂ ‚થઈ ગયું છે. ચાર ગામોમાં આશરે ૫૦ હજાર જેટલી મિલકત હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગઈકાલે રાજય સરકાર દ્વારા માધાપર, મોટામવા, મુંજકા અને ઘંટેશ્ર્વરને રાજકોટ મહાપાલિકાની હદમાં ભેળવવાનાં નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. આજે સવારે ભાજપ અગ્રણી ઘોઘુભા જાડેજા, ઘંટેશ્ર્વરનાં સરપંચ રઘુવીરસિંહ જાડેજા, માધાપરનાં સરપંચ છગનભાઈ સંખાવરા, રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટર દિનેશભાઈ ઢોલરીયા, વાંકાનેર માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટર પરબતભાઈ ડાંગર, ભાજપ અગ્રણી હરેશભાઈ દવે, બીપીનભાઈ દવે, માધાપર ગ્રામ પંચાયતનાં સભ્ય ભરતભાઈ ત્રિવેદી, નાગેશભાઈ ઓડેદરા, તાલુકા ભાજપ અગ્રણી વિમલભાઈ ખંડવી અને રવિભાઈ વાડોલીયા સહિતનાં લોકોએ સરકારનાં આ નિર્ણયને આવકારતા આતશબાજી કરી હતી અને એકાબીજાનાં મોં મીઠા કરાવ્યા હતા.

મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે પણ રાજય સરકારનાં નિર્ણયને આવકાર્યો હતો. સાથોસાથ તેઓએ એવી પણ બાંહેધરી આપી હતી કે, રાજકોટમાં ભળેલા ચારેય ગામોનાં લોકોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે મહાપાલિકા સતત પ્રયત્નશીલ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં રાજકોટમાં ભળેલા કોઠારીયા અને વાવડી ગામમાં હજી સુધી અનેક અસુવિધાઓનો ભરમાર છે. આ મુદ્દે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ પણ આજે શાસકોને ચીંટયો ભર્યો હતો. મહાપાલિકાની હદ વધતા હવે આ ચાર ગામોનાં લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવી તંત્ર માટે સૌથી મોટો પડકાર બની રહેશે.

જયારે રાજકોટની હદ વધી ત્યારે ઉદય કાનગડ પાસે ખુરશી ! ૧૯૯૮માં મવડી, રૈયા, નાનામવા ભળ્યા ત્યારે મેયર, કોઠારીયા-વાવડી ભળ્યા ત્યારે ડે.મેયર અને હવે ચાર ગામ ભળ્યા ત્યારે સ્ટેન્ડિંગપદે સત્તારૂઢ

રાજકોટ મહાનગરપાલિકાનાં ૪૭ વર્ષનાં ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ૩ વખત શહેરનાં સીમાડા વઘ્યા છે. જોગાનુજોગ આ ત્રણેય વખત ભાજપનાં કદાવર નેતા ઉદયભાઈ કાનગડ કોઈ મહત્વપૂર્ણ હોદા પર સત્તારૂઢ હતા. ૧૯૯૮માં સૌ પ્રથમ રાજકોટની હદમાં વધારો થયો હતો ત્યારે તા.૧૬/૬/૧૯૯૮નાં રોજ રૈયા, મવડી અને નાનામવાને રાજકોટમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ઉદય કાનગડ મેયર તરીકે સતારૂઢ હતા ત્યારબાદ ૨૦૧૫માં કોઠારીયા અને વાવડીનો રાજકોટમાં સમાવેશ કરાયો ત્યારે કાનગડ ડે.મેયરની ખુરશી પર બિરાજમાન હતા. હવે જયારે માધાપર,  મુંજકા, ઘંટેશ્ર્વર અને મોટામવાને રાજકોટમાં ભેળવવાની દરખાસ્તને સરકાર દ્વારા બહાલી આપવામાં આવી છે ત્યારે ઉદયભાઈ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનનું પદે ફરજ બજાવી રહ્યા છે. જયારે-જયારે રાજકોટનું વિસ્તરણ થયું ત્યારે કોઈપણ એક પદ પર ઉદયભાઈ સતારૂઢ હતા તેપણ એક ઈતિહાસ સર્જે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.