- ફરિયાદો માત્ર કાગળ પર જ રહેતી હોવાનો શહેરીજનોનો વસવસો: પૂર્વ મ્યુનિ.કમિશનરોની કામગીરી વર્તમાન પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ મૂકી
- ‘મેયર તમારે દ્વારે’ શિર્ષક હેઠળ યોજાતા લોક દરબાર નર્યું નાટક જ હોય તેવો કોંગ્રેસે કરેલો આક્ષેપ જાણે સાચો સાબિત થઇ રહ્યો તેવું લાગી રહ્યું છે. આજે શહેરના વોર્ડ નં.11માં લોક દરબાર યોજાયો હતો. જેમાં લોકોની ધીરજ ખૂટી હોય તેવું જણાતું હતું. લોક દરબારમાં જનાક્રોશ જોવા મળ્યો હતો.
પદાધિકારીઓ માત્ર થાલા વચનો જ આપે છે. ફરિયાદો માત્ર કાગળ પર જ રહે છે. પૂર્વ મ્યુનિ.કમિશનરોની કામગીરી પણ પ્રજાજનોએ યાદ કરી વર્તમાન પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. કોંગ્રેસના મહિલા અગ્રણીએ એવો અવાજ ઉઠાવ્યો હતો કે ફરિયાદ કોઇપણ પક્ષના વ્યક્તિ કરે તેનો નિકાલ થવો જોઇએ. લોક દરબારને રાજકીય અખાડો બનાવવો ન જોઇએ.
લોક દરબારમાં ફરિયાદોના ધોધ છૂટી રહ્યા છે. જેનો સમયસર નિકાલ પણ થતો નથી. ઝોન કચેરી અને વોર્ડ કચેરી અનેકવાર ફરિયાદો કરવા છતાં તેનો નિકાલ થતો ન હતો. ફરિયાદ સાંભળવામાં ચોક્કસ આવે છે પરંતુ તેને લોક દરબાર પૂર્ણ થયા બાદ જાણે કોઇ જ મહત્વ આપવામાં આવતું ન હોય તેવો સિનરીયો જોવા મળી રહ્યો છે. સોલીડ વેસ્ટ શાખા પાસે સૌથી વધુ મહેકમ હોવા છતાં સફાઇને લગતી ફરિયાદો ઉઠે છે. આજે વોર્ડ નં.11માં એક જાગૃત્ત નાગરિકે સતત તૂટતા રોડ-રસ્તા અંગે પણ હૈયા વરાળ ઠાલવી હતી. લોકો ખૂબ જ જાગૃત્ત બની ફરિયાદો કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા તેના નિકાલમાં પૂરી ગંભીરતા દાખવવામાં આવતી નથી.
આજે વોર્ડ નં.11માં યોજાયેલા લોક દરબારમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 122 ફરિયાદો ઉઠી હતી. જેમાં સફાઇની 16, રોશનીની 6, વેરા વસૂલાત અંગેની એક, બાંધકામને લગતી 35, ટીપીને લગતી 8, મેલેરિયા વિભાગની એક, દબાણ હટાવ શાખાને એક, ગાર્ડનને લગતી ચાર, ડ્રેનેજને લગતી 13, વોટર વર્ક્સ શાખાને લગતી 13, ટ્રાફિક-ટ્રાન્સપોર્ટ અંગેની 6 ફરિયાદો ઉઠવા પામી હતી.
“લોક દરબાર” નાગરિકો દ્વારા સિલ્વર સોસાયટી પાસે પાણી ભરાવા બાબત, લાલા લજપટરાય ટાઉનશીપના ગેઇટ પાસે ગટરનું ઢાંકણું દૂર કરવા બાબત, વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા બાબત, પેવિંગ બ્લોક નાખવા બાબત, આદર્શ સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટમાં ગાર્ડન બનાવવા બાબત, આદર્શ સોસાયટી આસપાસ નિયમિત સફાઈ કરવા બાબત,આદર્શ સોસાયટી અને શ્રી સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવા બાબત,શ્રીનાથજી પાર્ક સોસાયટી પાસેના રસ્તા પર દબાણ દૂર કરવા બાબત, શ્રીનાથજી પાર્ક સોસાયટી પાસે અનધિકૃત દબાણ દૂર કરવા બાબત, આંગણવાડીમાં બાળકોને બેસવા માટે વધારાની વ્યવસ્થા કરવા બાબત,ઓમ રેસીડેન્સીના ખૂણે આવેલ યુરિનલ ખુલવા બાબત, પીવાના પાણીમાં ગંદા પાણીનું મિશ્ન થવા બાબત, રોડ લેવલ કરવા બાબત,સુવર્ણ ભૂમિ સોસાયટી પાસે ગટરના ઢાંકણા રીનોવેશન કરવા બાબત, મધુવન પાર્ક પાછળ ગંદકી સાફ કરવા બાબત, ન્યુ રાજદીપ સોસાયટીમાં આવેલ આંગણવાડી ડેવલપમેન્ટ કરવા બાબત, મવડી ચોકડી ખાતે ટ્રાફિકની રજુઆત,વોર્ડ નં.11માં નવા આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હોલ બનાવવા આવશે,અંબિકા ટાઉનશીપમાં રોડ, રસ્તા, સફાઈ બાબત, શનિવારી બજારમાં સફાઈ કરવા બાબત, લક્ષ્મણ ટાઉનશીપમાં ટીપરવાન નિયમિત નથી આવતી વગેરે મુખ્ય બાબતોના પ્રશ્ર્નો અને રજુઆતો કરાય હતી.
વોર્ડ નંબર 11 માં ખાડાનું સામ્રાજ્ય
અબતક સાથેની વાતચીતમાં વોર્ડ નંબર 11ના રહેવાસી ગોકુલદાસ મારવાણીયા એ જણાવ્યું હતું કે, મારો એક જ પ્રશ્ન છે એક મહિનાની અંદર રોડ તૂટી કેમ જાય? રોડ બનાવવા માટે સરકાર પૂરતા પૈસા આપે જ છે તેની સામે તેનું વળતર 40% પણ નથી થતું જો 60% કામ કરવામાં આવે તો પણ રોડ રસ્તામાં 20 વર્ષ સુધી ખાડો ન પડે. મેં સરકારી કામ કરેલું છે. સરકારના મકાન બનાવ્યા છે. મને ખબર છે સરકાર પુરા પૈસા આપે છે. ગમે એટલા વાપરો તોય ખૂટે નહીં. એક રૂમ બનાવવા માટે દોઢ ગણા રૂપિયા આપે તોય ખૂટે નહીં. આ રોડ કેમ તૂટી જાય છે. ભ્રષ્ટાચાર સિવાય કાંઈ છે જ નહીં. અમારા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે આખા રાજકોટમાં ખાડા કેટલા છે તમે ગમે ત્યાં જાઓ હાથ પગ ભાંગીને જ આવો. વેરો અમે અગાઉ ભરી દઈ છી. ભ્રષ્ટાચાર બંધ કરશે ને તો જ આનો ઉકેલ આવશે. ગમે એવા રોડ બનાવશે પાછો તૂટી જ જશે.
અમારા વોર્ડમાં બિસ્માર મુખ્ય રોડ રસ્તા અને વરસાદી પાણીની સમસ્યા
અબતક સાથેની વાતચીતમાં નંબર 11 ના રહેવાસી જયંતીભાઈ ધેટિયાએ જણાવ્યું હતું કે,લોક દરબાર યોજવા ખાતર યોજેલો છે. કામ થાય ત્યારે ખબર પડે કે કેવા કામ થાય છે. આવા લોક દરબાર યોજવાથી કોઈ પ્રશ્નની નિકાલ થવાનો નથી. રાજકોટમાં કમિશનર જગદીશન હતા ત્યારે તેઓએ દાખલો બેસાડ્યો હતો કે આજે રાજકોટની જનતા જગદીશનને યાદ કરે છે. આ કમિશનર પાસે પણ એટલી જ સત્તા છે સત્તાનો ઉપયોગ કરે તો આવા લોક દરબાર યોજવાની જરૂર નથી. અમારા વોર્ડમાં રોડ રસ્તાના લેવલ નથી. વરસાદી પાણી ભરાઈ રહે છે. અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિવેડો આવ્યો નથી.