રાજકોટ-જામનગર રોડ પર આવેલા વણપરી ટોલનાકા પર સિક્યુરિટીનો કોન્ટ્રાકટરને વાહન ચાલકો સાથે થતી અવાર નવાર માથાકૂટનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ડાગરાના ગરાસીયા યુવાન પર નામચીન દિપો ડોડીયાના પુત્ર સહિત ત્રણ શખ્સોએ હુમલો કરી કારમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ડાગરા ગામના જીતુભા ઉર્ફે જીતો ઇન્દુભા જાડેજાને પડધરીના નામચીન સિધ્ધાર્થ દિપક ઉર્ફે દિપો ડોડીયા, મોવૈયા ગામના હાજીભા નુરભા દલ અને ઇશુભાઇ બ્લોચ નામના શખ્સોએ માર મારી કારમાં તોડફોડ કર્યાની હડમતીયા ગામના સહદેવસિંહ અરવિંદસિંહ જાડેજાએ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જીતુભા ઉર્ફે જીતો અને સહદેવસિંહ જાડેજા પોતાની કાર લઇને હડમતીયા ગામેથી રાતે વણપરી ટોલનાકેથી પસાર થતા ત્યારે ટોલનાકાના સિકયુરિટીમેન હાજીભા નુરાભા દલ સાથે જીતુભા ઉર્ફે જીતાને ઝઘડો થયો હતો. ત્યારે ઇશુ બ્લોચ પોતાની પાસે રહેલી તલવાર લઇને મારવા દોડયો હતો અને સિકયુરિટી કોન્ટ્રાકટર સિધ્ધાર્થ દિપક ડોડીયા પણ ત્યાં પહોચી ગયો હતો અને જીતુભા ઉર્ફે જીતાને માર મારી કારમાં તોડફોડ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ પહેલાં પણ જીતુભા ઉર્ફે જીતો અને હાજીભા દલ વચ્ચે ટોલનાકે ગાડી પસાર કરવાના પ્રશ્ર્ને બોલાચાલી થઇ હોવાથી ગઇકાલે બંને ફરી ટોલનાકે એકબીજાને મળતા ફરી ઝઘડો થયો હોવાથી સિધ્ધાર્થ ડોડીયા, ઇશુ બ્લોચ અને હાજીભા દલે એક સંપ કરી હુમલો કરતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

વણપરી ટોલનાકે આ પહેલાં પણ અવાર નવાર ઝઘડા થયા હોવા પરંતુ પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ રહેતા ટોલનાકાના કોન્ટ્રાકટરો અને સિકયુરિટીનો કોન્ટ્રાકટ ધરાવતા શખ્સોની દાદાગીરી વધી હોવાની ફરિયાદો ઉઠી છે. સિધ્ધાર્થ ડોડીયાના પિતા દિપક ઉર્ફે દિપા ડોડીયા સામે હત્યા અને હત્યાની કોશિષ સહિતના અનેક ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.