1 લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાને જાહેર પરિવહનનો લાભ અપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોને સુદ્રઢ જાહેર શહેરી પરિવહન સુવિધા આપીને ‘ઇઝ ઓફ લીવીંગ’ વધારવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે.
રાજ્યમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની તમામ નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનાનો લાભ સાથે રાજ્યની બે નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનામાં નવી 35 બસના સંચાલન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જેમાં ગાંધીધામમાં-13 બસ અને બોટાદમાં-22 બસનું સંચાલન થશે. મહત્વપૂર્ણ બાબત છે કે, આ યોજનામાં સૌરાષ્ટ્રના ગોંડલ, જેતપુર, ગાંધીધામ, ભુજ, મોરબી, પોરબંદર સહીતની નગરપાલિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે આ નગરપાલિકાને પણ બસ સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે.
બસ પરિવહન યોજના અંગે વિવિધ કામગીરી
પાંચ મહાનગર પાલિકાઓમાં 382 ઇ-બસ અને 785 સી.એન.જી બસ સહિત 1167 બસ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અન્વયે કાર્યરત છે. 7 નગરપાલિકાઓમાં 83 સી.એન.જી બસ સેવા પણ સંચાલનમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોને સુદ્રઢ જાહેર શહેરી પરિવહન સુવિધા આપીને ‘ઇઝ ઓફ લીવીંગ’ વધારવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે.
રાજ્યમાં 2018 થી શરૂ શહેરી પરિવહન યોજના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યની બે નગરપાલિકાઓ ગાંધીધામ નગરપાલિકા અને બોટાદ નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અન્વયે નવી 34 બસોના સંચાલન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના રાજ્યમાં 2018 થી શરૂ કરવામાં આવેલી છે તેમજ 8 મહાનગરપાલિકાઓ અને 1 લાખથી વધુની વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલો છે.
હવે સૌરાષ્ટ્રની ગોંડલ ન. પા., જેતપુર ન. પા., મોરબી ન. પા., ગાંધીધામ ન. પા., ભુજ ન. પા. અને પોરબંદર નગરપાલિકાને પણ આ યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, આ નગરપાલિકાઓ પૈકી મોરબી, ભુજ અને પોરબંદર નગરપાલિકાને બસનો લાભ મળી ચુક્યો છે અને બસ સેવા શરૂ પણ કરી દેવામાં આવી છે. જયારે ગોંડલ, જેતપુર અને ગાંધીધામ નગરપાલિકાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. હાલ ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે જે સંભવત: 15 દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે અને ત્યારબાદ સીધી જ બસ સેવા શરૂ કરી દેવામાં આવશે.
ગાંધીધામને 13 અને બોટાદને 22 બસના સંચાલન માટે સૈદ્ધાંતિક મંજૂરી
રાજ્ય સરકારે ‘અ’ વર્ગની 20 નગરપાલિકાઓ માટે રપર બસ મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અન્વયે કાર્યરત કરાવી છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ બે નગરપાલિકાઓ ગાંધીધામને 13 અને બોટાદને 22 બસના સંચાલન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીને પરિણામે રાજ્યની ‘અ’ વર્ગની તમામ રર નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના તળે સાંકળી લેવામાં આવી છે અને નાગરિકોને સરળ જાહેર પરિવહન સેવાઓ મળતી થઇ રહી છે.
ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ મોડલ પર કુલ 2864 શહેરી બસ ઉમેરવાના લક્ષ્ય
આ મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રતિવર્ષ રૂ. 290 કરોડની જોગવાઇ સૂચવવામાં આવે છે. એટલું જ નહિ, આ યોજના અન્વયે ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ મોડલ પર કુલ 2864 શહેરી બસ ઉમેરવાના લક્ષ્ય સામે અત્યાર સુધીમાં 1250 બસ ઉમેરવામાં આવી છે. તદ્દઅનુસાર, પાંચ મહાગરપાલિકાઓમાં 382 ઇલેક્ટ્રીક બસ અને 785 સી.એન.જી બસ મળીને કુલ 1167 બસ તથા 7 નગરપાલિકાઓમાં 83 સી.એન.જી બસ કાર્યરત છે.
મોરબી, ભુજ અને પોરબંદરમાં બસો દોડતી થઇ ગઈ!!
જે રીતે આ યોજના હેઠળ 1 લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓને બસ સેવાનો લાભ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર પ્રાંતના મોરબી, ભુજ અને પોરબંદરમાં બસો દોડતી થઇ ચુકી છે. જયારે ગોંડલ, જેતપુર અને ગાંધીધામને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે અને અંદાજિત 15 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બસો દોડતી થઇ જશે.