સમાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ કચેરીનાં અધિકારીઓએ મંત્રીની શુભેચ્છા મુલાકાત કરીને અભિનંદન પાઠવ્યા
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નવનિયુકત કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આજરોજ રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી હતી. મંત્રી ભાનુબેને અખંડ ભારતના રચિયતા સરદાર વલ્લ્ભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રેષ્ઠ કામગીરી માટેના આશીર્વાદ મેળવ્યા હતા.
આ તકે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ થકી અવિરત જનકલ્યાણના કામ કરીશું. જનતાએ મુકેલાં વિશ્વાસને સંપૂર્ણ ન્યાય આપીને ગુજરાતની પ્રજાના આશીર્વાદ પ્રાપ્ત કરવાની તક સાંપડી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને દરેક યોજનાનો લાભ મળે તેવા નક્કર આયોજન સાથે કામગીરી કરીશું.
રાજકોટમાં ખુબ સારી કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરતાં મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટના નાયબ નિયામક અનુસૂચિત જાતિ, નાયબ નિયામક વિકસતી જાતિ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(જિલ્લા પંચાયત),જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ અધિકારી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ સર્વે અધિકારીશ્રીઓએ તેમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીએ સર્વે અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની દરેક યોજનાઓનો લાભ લોકોને મળે અને તેમનું સામાજિક – આર્થિક ઉત્થાન થાય તેવા સ્તુત્ય પ્રયાસો કરીશું.