જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા એસ.પી. અને પોલીસ કમિશ્નર સાથે મહત્વની ચર્ચા-વિચારણા કારાયા બાદ લેવાશે નિર્ણય: ચેક પોસ્ટ ઉભી કરવાથી બહારથી આવતા લોકોનો ડેટા મળશે જેથી આવા લોકો ઉપર વિશેષ ઘ્યાન રાખી શકાય
રાજકોટ જિલ્લામાં બહારથી આવતા લોકો ખતરારૂપ સાબીત થઇ રહ્યા છે. મોટાભાગના કેસો આવા લોકોના સામે આવી રહ્યા છે માટે તંત્ર પણ આ મામલે ચિંતાતુર બન્યું છે. જેથી હવે જિલ્લામાં ફરી ચેકપોસ્ટો ઉભી કરવામાં આવે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. ચેકપોસ્ટ ઉભી કરવાથી બહારથી આવતા લોકોનો ડેટા એકત્ર થઇ શકે છે અને તેની ઉપર વિશેષ ઘ્યાન રહી શકે છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાના પોઝિટીવ કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે જો કે મોટાભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓ અમદાવાદ કે અન્ય રાજયની ટ્રાવેલ હિસ્ટી ધરાવતા હોય છે માટે સ્પષ્ટ પણે કહી શકાય કે બહારથી આવતા લોકો જિલ્લા માટે ખતરારૂપ બન્યા છે. આ ખતરાને ટાળવા કલેકટર દ્વારા પગલા લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ અંગે જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે રાજકોટ જીલ્લામાં બહારથી કોરોનાનો ચેપ પ્રસરતો અટકે તે માટે જિલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશ્નર સાથે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. જરૂર પડયે સમગ્ર જિલ્લામાં ફરી ચેક પોસ્ટો શરૂ કરવામાં આવશે.
આ ચેકપોસ્ટોથી એ ફાયદો થશે કે જે લોકો બહારથી આવશે તેનો ડેટા તંત્રને મળી શકે બાદમાં ડેટાના આધારે બહારથી આવેલા લોકો ઉપર વિશેષ ઘ્યાન રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બહારથી આવતા લોકો કોરોનાથી સંક્રમીત હોવાનો સીલ સીલો યથાવત રહ્યો છે. જેને લઇને તંત્ર પણ હવે ચિંતાતુર બન્યું છે. માટે હવે એકશન પ્લાન જરૂરી બન્યો છે.