સંવિધાન બચાવો દેશ બચાવો કાર્યક્રમ અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ
૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવા હાર્દિક અસમંજસની સ્થિતિમાં
રાજકોટ ખાતે સંવિધાન બચાવો, દેશ બચાવો કાર્યક્રમ અંતર્ગત એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કનૈયા કુમાર, હાર્દિક પટેલ તથા જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહી કાર્યક્રમમાં એક મંચ ઉપર જોડાશે.
આ પત્રકાર પરિષદમાં ત્રણેય નવયુવાનો દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જેમાં કનૈયા કુમારને જયારે પુછવામાં આવ્યું કે, હાર્દિક પટેલ જે રીતે પાર્ટીદાર અનામતની વાત કરે છે તથા જયારે જીજ્ઞેશ મેવાણી દલીતો ઉપર થયેલા અત્યાચારની વાત કરે છે તો આપ કોના સારથી બનશો, કારણ કે આપનું નામ તો કનૈયા છે. ત્યારે આ પ્રશ્નનો જવાબ આપતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે, એવું કોઈ કારણ નથી કે હું કોઈનો સારથી બનું પણ એ વાત ચોકકસ છે કે જે અત્યારચાર અને લોક વિરોધી કાર્યો જે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે અને ત્યારે તેનો વિરોધ જે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી કરે છે.
તે સમય કનૈયા કુમાર એ તમામ નવયુવાનોનો સારથી છે નહીં કે કોઈ એકલ-દોકલનો. એવી જ રીતે જયારે તેમને બીજો પ્રશ્ન પુછવામાં આવ્યો કે રાજકોટ આવવાનું શું કારણ અને કોનાથી પ્રેરીત થઈ રાજકોટ આવ્યા છો ત્યારે તેના જવાબમાં કનૈયા કુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજકોટમાં જે સંવિધાન બચાવો હેઠળ કાર્યક્રમનું આયોજન થયું છે તે હેતુથી મારે રાજકોટ આવવાનું થયું નહીં કે, હું કોઈનાથી પ્રેરીત થઈ રાજકોટ આવ્યો હોવ.
પાટીદાર લોકોને અનામત આપવાની માંગ જે હાર્દિક પટેલ કરી રહ્યો છે ત્યારે તેને જે પ્રશ્ન પુછવામાં આવ્યો કે, આપની લાઈન હજુ સુધી કલીયર નથી રહી તો શું તેનો ફાયદો ભાજપ પક્ષ ઉઠાવી રહ્યું છે ત્યારે તેના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વાત ૧૦૦ ટકા સાચી છે કે મારી લાઈન કલીયર નથી પરંતુ તેનો મતલબ એ નહીં કે ભાજપ પક્ષ મારો કોઈ ફાયદો ઉઠાવી રહ્યું હોય પરંતુ હું ચોકકસપણે માનુ છું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડુ કે નહીં એ નકકી નથી પરંતુ ચૂંટણી લડીશ તે વાત બીલકુલ સાચી છે.
હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ૩ વાગ્યે તેઓ પુરી તાકાત લગાવી રાજકોટમાં રેલીનું આયોજન કરશે અને તેઓએ વિરોધીઓને છૂટ આપતા જણાવ્યું હતું કે, તેઓને વિરોધ કરવાની પણ અમે છુટ આપીએ છીએ. સાથો સાથ કનૈયા કુમારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકાર શું કામ અમારા નવયુવાનોથી ડરે છે જયારે અમારા જેવા યુવાનો પાસે અનીલ અંબાણી જેવું સહેજ પણ પીઠબળ નથી. ત્યારે એક વાતની પુષ્ટી થાય છે કે, સરકાર નવયુવાનોથી ડરે તો છે જ અને તેઓ કોઈપણથી ડર્યા વિના લોકહિતમાં જે કાર્યો કરવામાં આવશે તેને કાયમ રખાશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ખૂબજ સામાન્ય પરિવારમાંથી આવે છે અને દિલ્હીના લોકો સાથો સાથ તેમના માતા કે જેઓ આંગણવાડીમાં કામ કરે છે તે તમામ સરકારથી નાખુશ છે જેથી સંવિધાનનું રક્ષણ કરવા, દેશ બચાવવા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું હોય છે અને એમાં અમે સહભાગી થઈ રહ્યાં છીએ. ત્યારે નરેન્દ્ર મોદી પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો કેન્દ સરકારને ૫૬ની છાતી હોય તો જેલમાં કેમ નથી ધકેલવામાં આવતા.
અંતમાં કનૈયા કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, મારા પર દેશદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, હું ભારત માતા કી જય કેમ નથી બોલતો, ત્યારે મારો સ્પષ્ટ જવાબ એ છે કે, હું સ્વતંત્ર ભારતનો નાગરિક છું અને ભારતમાં રહેવાનો મને ગર્વ છે, ભારત માતા કી જય, વંદે માતરમ એ તમામ શબ્દોનું હું પઠન કરું છું.
પરંતુ કોઈ દિવસ તેનું પઠન કરવામાં ન આવ્યું હોય તો તેનો મતલબ એ નથી કે મે દેશદ્રોહ કર્યો હોય, ત્યારે મને ભરોષો છે કે નવયુવાનો દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં વિરોધીઓ વિરોધ દર્શાવશે તેમ છતાં અમને કોઈપણ પ્રકારનો ડર સતાવતો નથી કારણ કે અમે દેશના વિકાસ અને દેશના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યાં છીએ.