રાજકોટમાં બે દિવસમાં કોરોનાના 7 કેસ નોંધાયા: સલામતી રાખવી ખૂબ જ જરૂરી
રાજકોટમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા 7 કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દેશ કે વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો કોરોનાના સંકજામાં સપડાઇ રહ્યા છે. રાજ્યભરમાં ફરી કોરોનાએ માથુ ઊંચક્યું હોય હવે શહેરીજનોએ સાવચેતી રાખવી જરૂરી બની જવા પામી છે.
ગત શનિવારે શહેરમાં કોરોનાના કુલ 3 કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર પ્રિકોશન ડોઝ લેનાર વૃધ્ધા કોરોના સંક્રમિત થયા હતા. શુક્રવારે તેના ફેમીલીના એક સભ્યને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓ તેમના સંપર્કમાં આવ્યા હોવાના કારણે કોરોનાના સંકજામાં સપડાયા છે. આ ઉપરાંત વોર્ડ નં.14માં લક્ષ્મીવાડી વિસ્તારમાં ખોડીયાર મંદિરની બાજુમાં 44 વર્ષીય મહિલા અને વોર્ડ નં.1માં ગાંધીનગર વિસ્તારમાં 38 વર્ષનો યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે.
આ ઉપરાંત ગઇકાલે શહેરમાં નવા ચાર કેસ નોંધાયા છે. જેમાં જર્મનીથી આવેલા 29 વર્ષીય યુવતી, ગોંડલ રોડ પર ગીતાનગરમાં રહેતા 58 વર્ષના વૃધ્ધા, અમીન માર્ગ પર સૂર્યપાર્કમાં ગત 31મીએ દુબઇથી આવેલી 27 વર્ષીય મહિલા અને વોર્ડ નં.3માં ઘંટેશ્ર્વર વિસ્તારમાં એસઆરપીની સામે વર્ધમાન નગરમાં અમદાવાદથી આવેલા 62 વર્ષીય વૃધ્ધા કોરોના સંક્રમિત થયા છે.
કોરોનાના કહેર વચ્ચે ડેન્ગ્યૂએ પણ દેખા દીધા
શહેરમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગત સપ્તાહે ડેન્ગ્યૂનો પણ એક કેસ નોંધાયો હતો. આ ઉપરાંત શરદી, ઉધરસના 200 કેસ, સામાન્ય તાવના 74 કેસ, ઝાડા-ઉલ્ટીના 91 કેસ નોંધાયા હતા. જ્યારે મચ્છરની ઉત્પતિ સબબ 391 લોકોને નોટિસ આપવામાં આવી છે.