જામનગરમાં મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા 120 વર્ષથી પરંપરાગત રીતે ચોકારો યોજાય છે, જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રહી છે, અને ગઈ રાત્રે યોજાયેલા ચોકારા ના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
આ પરંપરાગત ચોકારો સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના યુવાનો દ્વારા લેવા આવે છે, જેમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ ગની ઉંમર બસર ની આગેવાની હેઠળ આ વખતે છેલ્લા 10 દિવસ થી આ ચોકારાનો કાર્યક્રમ વાઘેરવાડામાં આવેલા માતમ ચોક માં યોજાઇ રહ્યો છે. આ ચોકારો નિહાળવા માટે રાત્રિભર સુધી હજારોની સંખ્યા માં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહે છે.
મહોરમને લઇને સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
જામનગર શહેરમાં હાલમાં મુસ્લિમોના પાવન પર્વ મહોરમની રંગે ચંગે મુસ્લિમ બિરાદારો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આવતી કાલે તારીખ 29 મી જુલાઈ ને શનિવારના રોજ મહોરમનું ભવ્ય જુલુસ જામનગર શહેરમાં યોજાનાર હોઈ ત્યાર જામનગર શહેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મહોરમનું ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય અને કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની જાળવણી સાથે સંપૂર્ણ કોમી ભાઇચારાની ભાવના વચ્ચે યોજાય તેને લઇને ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
જેમાં જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના નેજા હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા, ડી-સ્ટાફ ના પી.એસ.આઇ. ભગીરથસિંહ વાળા, દરબારગઢ પોલીસ ચોકી ના પી.એસ.આઇ. વસંતભાઇ ગામેતી સહિતના સ્ટાફ દ્વારા સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન થી ફુટ પેટ્રોલિંગનો આરંભ કરી દરબારગઢ વિસ્તાર, બર્ધન ચોક વિસ્તાર, પાંચ હાટડી વિસ્તાર, મોટાપીર ચોક વિસ્તાર, ખોજા ગેટ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
કુરેશી જમાત દ્વારા 1 લાખ 7 હજાર 86 એલ.ઇ.ડી. લાઇટ સાથે તૈયાર કરાયો કલાત્મક તાજીયો
જામનગર શહેરમાં મુસ્લિમ બીરાદરો દ્વારા પવિત્ર મોહરમના તહેવારની હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે, અને શહેરમાં મુસ્લિમ સમાજ ની જુદી જુદી કમિટીઓ દ્વારા સુંદર અને કલાત્મક તાજીયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ખોજાનાકા પાસે આવેલા કુરેશી જમાતના તાજીયામાં આ વખતે વિશેષ સુશોભન કરાયું છે. કુરેશી જમાતના યુવા વર્ગ દ્વારા છેલ્લા એકાદ માસની જહેમત લઈને કુલ 1 લાખ 7 હજાર 86 એલ.ઇ.ડી. લાઇટ નો ઉપયોગ કરીએ સુંદર અને કલાત્મક તાજીયો બનાવાયો છે. જે સૌ માટે આકર્ષણરૂપ બન્યો છે. જેની રંગબેરંગી લાઇટિંગ સાથેનો નજારો નિહાળીને અનેક મુસ્લિમ બિરાદરો અભિભૂત થયા છે જેતાજીયો આજે પડમાં આવ્યા પછી આવતીકાલે યોજનારા ભવ્ય ઝુલુસની સાથે પણ જોડાશે.