વોર્ડ નં.૩માં વણ ઉકેલાયેલા વિવિધ પ્રશ્ર્નો અંગે પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં મ્યુનિ.કમિશરને વધુ એક રજૂઆત
વિવિધ પ્રશ્ર્નો અંગે પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને ઢોલ નગારાની રમઝટ બોલાવી આવેદન પત્ર પાઠવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ દિવસથી શહેરમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે મનપાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. સમગ્ર શહેરનું જનજીવન ઠપ્પ થઈ ગયું છે. લોકો વિવિધ સમસ્યાઓથી ત્રાસ્ત છે. ત્યારે શાસકો ઉત્સવો ઉજવવામાં મસ્ત છે. સતત પીએમ અને સીએમ તેમજ અન્ય વીવીઆઈપીઓની અવર-જવરથી રાજકોટ ધમધમે છે. સમગ્ર તંત્ર આ સેવા કરવામાં વ્યસ્ત બ્યું છે. પ્રજાહિતના કાર્યો ભુલાઈ ગયા છે અને રોડ-રસ્તા, ઉભરાતી ગટરો સહિતની પાયાની સમસ્યાઓ ઉકેલવા માટે લાખો ‚પિયાના પગાર મેળવતા એન્જીનીયરોની ફૌજ સમસ્યા ઉકેલવામાં વામણી સાબીત થઈ રહી હોય તેવું લાગે છે. સમગ્ર વિસ્તારમાં જીપીએસસી કંપનીના ખોદાયેલા ખાડાઓમાં પાણીના ખાબોચીયા ભરાયેલા છે. રસ્તાઓ ઉપર વોર્ડના એસઆઈથી લઈને ડીએમસી સુધી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ સમસ્યાનો નિકાલ આવતો નથી અને રસ્તાઓએ લોકોની કેડ ભાંગી નાંખી છે. દરરોજ અકસ્માતના બનાવો બને છે ત્યારે લોકો સમસ્યાઓથી ત્રાસી ગયા છે. ડ્રેનેજ અને વોકળાના ગંદા ઉભરાતા પાણી લોકોના ઘરમાં ઘુસે છે. વિસ્તારના પોપટપરા, કૃષ્ણનગર, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર જેવા વિસ્તારોમાં લોકો વાયરલ ઈન્ફેકશન અને મચ્છરજન્ય રોગના લોકો ભોગ બની રહ્યાં છે. આરોગ્યલક્ષી સેવા કથળી ગઈ છે અને એક પણ પ્રકારની આરોગ્યની કામગીરી થયેલ નથી.
સતત ૧૫ દિવસ વોર્ડમાં આરોગ્યલક્ષી કામગીરી કરવાની કમિશનરની ખાતરી
વોર્ડ નં.૩માં ડ્રેનેજ, ગંદકી સહિતના પ્રશ્ર્ને આજે લત્તાવાસીઓએ ઢોલની રમઝટ બોલાવી નિંભર તંત્રને ઢંઢોળ્યું હતું. દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ તમામને વ્યક્તિગત રીતે સાંભળ્યા હતા અને સતત ૧૫ દિવસ સુધી વોર્ડમાં આરોગ્યલક્ષી કામગીરી કરવાની ખાતરી આપી હતી. તમામ અધિકારીઓને તાત્કાલીક વોર્ડની સમસ્યાનો નિકાલ કરવા પણ સુચના આપી દેવામાં આવી છે. સાથો સાથ લત્તાવાસીઓને એવી તાકીદ કરાઈ છે કે, ડેન્ગ્યુ અને મેલેરીયાનો રોગચાળો સ્વચ્છ પાણીમાંથી ઉભા થતા મચ્છરોથી ફેલાતો હોય જયાં પાણી ભરેલ હોય તેનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી.