કલાકો સુધી થયેલા ટ્રાફિકજામનો પ્રશ્ન પોલીસે થાળે પાડ્યો
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે વઢવાણ વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૯ના રહિશોને પ્રાથમિક સુવિધાઓ ન મળતાં રોષ જોવા મળ્યો હતો અને અનેક રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં વઢવાણ લીમડી રોડ પર ચક્કાજામ કર્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાના વઢવાણ વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૯ ના છેવાડાના એવાં ખાણ વિસ્તાર સહિત આસપાસનાં અનુસુચિત જાતિના વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રોડ, રસ્તા, પાણી અને સફાઈ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી. જેના કારણે આ વિસ્તારનાં અનેક પરિવારો સહિત વાહનચાલકોને હાલાકી પડી રહી છે જે અંગે અનેક વખત સ્થાનીક સદસ્યો સહિત પાલિકા તંત્રને લેખીત અને મૌખિક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવ્યો નહોતો. આથી રોષે ભરાઈ સ્થાનિક લોકો અને મહિલાઓ સહિત રહિશોએ લીમડી વઢવાણ પાસે આવેલ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો જેને પગલે રોડની બંન્ને સાઈડ વાહનોની લાંબી કતારો પણ લાગી જવા પામી હતી.
પ્રાથમિક સુવિધાના મામલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વોર્ડ નંબર નવ ના રહેવાસીઓ દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ લીંબડી હાઇવે બ્લોક કરવામાં આવ્યો હતો ત્યારે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લોકા સમજાવીને મામલો થાળે પાડયો હતો.