સાંઇબાબા સર્કલથી નેશનલ હાઇવે સુધીનો 24 મીટરનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી અતિ ખરાબ: કોર્પોરેટરો અને અધિકારીઓને રજૂઆત કરીને થાકેલા લોકો રોડ પર ઉતરી આવ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં સામેલ થયાને 8 વર્ષનો લાંબો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી કોઠારિયાના રહેવાસીઓને પ્રાથમિક સુવિધા પૂરતા પ્રમાણ મળતી નથી. બિસ્માર રોડથી તોબા પોકારી ગયેલા કોઠારિયાના રહેવાસીઓ આજે રોડ પર ઉતરી આવ્યા હતા. સ્વાતિ પાર્ક રોડ પર ચક્કાજામ કર્યું હતું અને ભાજપના કોર્પોરેટરો સામે બળાપો વ્યક્ત કર્યો હતો.
વોર્ડ નં.18માં કોઠારિયા વિસ્તારમાં સાંઇબાબા સર્કલથી લઇ નેશનલ હાઇવે સુધીનો સ્વાતિ પાર્ક મેઇન રોડ છેલ્લા ત્રણ વર્ષથી ખખડધજ છે. અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા માત્ર ખોટી બાંહેધરી આપવામાં આવી રહી છે. જેનાથી તોબા પોકારી ગયેલા કોઠારિયાના લોકો આજે રોડ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યું હતું. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ભાજપના કોર્પોરેટરો સામે બળાપો ઠાલવ્યો હતો.