કોકોનટ થિયેટર પ્રસ્તૃત ચાય-વાય
અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાયવાય અને રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3માં ગઈકાલે ગુજરાતી રંગભૂમિના અને સીરીયલોના સુપ્રસિદ્ધ લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણી પડિયા લાઈવ આવ્યા હતા. જેમણે પોતાના વિષય રંગમંચનો રંગ એ વિષય પર વાત કરતાં પહેલા, રંગ દેવતાઓની સ્તુતિ કરી અને ત્યારબાદ પોતાના માતા-પિતા તથા જેમની સાથે કામ કર્યું છે એવા દરેકે દરેક દિગ્દર્શકોને યાદ કરી એમને સહૃદય વંદન કર્યા. અને વાતનો દોર આગળ ચલાવતા દિશાબેને જણાવ્યું કે હું અમદાવાદમાં રંગમંચ અને કલાના આરાધક પરિવારમાં જન્મી છું.
મારા પપ્પા અને માતૃશ્રી બંને કલાકાર તરીકે રંગભૂમિ પર કાર્યરત હતા, પપ્પા આજે પણ કાર્યરત છે, પપ્પા ભીમ વાકાણી જેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માન મળ્યું છે અને આજીવન જેમણે રંગ દેવતાની પૂજા કરી છે. તેમના દીકરી હોવાનો મને ગર્વ છે. આજે હું જે સ્થાન પર છું. એ સ્થાન સુધી પહોંચાડવા માટે મારા પપ્પાએ ખૂબ મહેનત કરી છે. એમ કહેતા દિશાબેન ભાવુક થઇ ગયા હતા. દિશા બેન આગળની વાત શરૂ કરે એ પહેલા આજે આ લાઈવ સેશનમાં દિશા વાકાણી ના પપ્પા ભીમ વાકાણી પણ એમની સાથે ઉપસ્થિત રહ્યા અને દિશાની સાથે આજે પણ સૌ પ્રથમ દીકરીનો હાથ પકડીને અમદાવાદથી મુંબઈ સુધીની સફરની વાતો શરૂ કરી.
દિશા બેને જણાવ્યું કે પપ્પાએ સ્કૂલની જોબમાં વહેલા રિટાયરમેન્ટ લઈને દીકરીના ભવિષ્યને ઉજ્જવળ કરવાનું કાર્ય હાથ ધર્યું અને અમદાવાદથી મને લઇને મુંબઈ આવ્યા અને મુંબઈની રંગમંચ સીરીયલ દુનિયામાં શરૂ થઈ. ધક્કામુક્કી સાથે ટ્રેનમાં ચડવું, રીક્ષા, ટેક્ષી ના મળે ત્યારે ચાલતાં ચાલતાં જવું. ટાઢ, તડકો અને વરસાદ સહન કરીને પણ ,મારા પિતા અને હું એકબીજાનો હાથ પકડીને ફિલ્મી દુનિયાની અલગ-અલગ ઓફિસોમાં ઓડિશન આપવા જતા. અમદાવાદના ગુજરાતી તખ્તા પર કામ કર્યાનો અનુભવ મુંબઈમાં કામ લાગ્યો અને અહીં મુંબઈમાં નાટકના નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી અને દિગ્દર્શક વિપુલ મહેતા તથા સંજય ગોરડીયાનાં નાટકમાં અભિનેત્રી તરીકે દિશાને કામ મળ્યું. નાટકનું નામ હતું લાલી લીલા જે મુંબઈ, ગુજરાત ભારતના ઘણા શહેરોમાં અને વિદેશોમાં પણ ખૂબ વખણાયું. દિશા નો અભિનય પણ એમાં ખૂબ વખણાયો. સાથે સાથે સિરિયલોની પણ સફર ચાલુ જ હતી. પપ્પા ભીમભાઇ પણ દીકરી દિશા ના ઉજ્જવળ ભવિષ્ય માટે એની સાથેને સાથે જ હતા.
અનેક એવોર્ડ જીતી ચૂકેલ દીશાબેને આજે એક કલાકારના જીવનમાં આવતી સ્ટ્રગલ વિશેની દિલ ખોલીને વાત કરી. જે દરેક કલાકાર માટે સાંભળવી જરૂરી છે. અભિનેતા ક્યારેય નાનો નથી હોતો. અને એને મળેલું પાત્ર પણ ક્યારેય નાનું નથી હોતું. જે મહેનત અને ધગશ સાથે કરેલા કાર્યનું ફળ તમને અવશ્ય મળે જ છે. ભીમ ભાઈએ દિશાને સાથ આપતા આખા લાઈવ સેશનને ચાર ચાંદ લાગી ગયા. એક પિતા અને પુત્રીનાં સહિયારા આ સેશનમાં લોકોએ મન ભરીને બંને ને સાંભળ્યા. દિશા બેને નાટકની સફરની વાતો સાથે સાથે માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા
. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો દિશાબેનનું આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છો આવનારા મહેમાનોમાં આતિશ કાપડીયા, સુપ્રિયા પાઠક, સૌમ્ય જોશી, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા લાઈવ આવવાના છે.
આજે જાણીતા નિર્માતા જે.ડી. મજેઠીયા લાઈવ આવશે
ગુજરાતી રંગભૂમિ-ટીવી શ્રેણી ફિલ્મો વિેગેરે ક્ષેત્રે ખૂબજ જાણીતું નામ એટલે કલાકાર અને નિર્માતા જે.ડી. મજેઠીયા કોકોનટની ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે લાઈવ આવીને હાઉ ટુ ઓવરકમ ફેલીયર વિષય ઉપર ચર્ચા અને અનુભવો શેર કરશે. તેઓને સંગીત નાટક અકાદમી સાથે ગુજરાત રાજયનો એવોર્ડ મળેલ છે. તેમનું આજનું સેશન યુવા કલાકારોને ઘણુ ઉપયોગી થશે. તેમના નાટકો ટીવી શ્રેણી ખૂબજ જાણીતા છે.