કટોકટીના સમયે અખબાર જ મુખ્ય માધ્યમ
લોકડાઉન દરમિયાન સમાચારોની વિશ્વાસનીયતા માટે અખબારો શ્રેષ્ઠ માધ્યમ હોવાનું એક સર્વેમાં પૂરવાર
હાલના ટેકનોલોજીના યુગમાં કટોકટીના સમયમાં લોકોને પળેપળના સમાચારો જાણવામાં રસ હોય છે. તેમાં પણ લોકડાઉનના કારણે સાવ નવરાશ અનુભવી રહેલા લોકોમાં સમાચારો જાણવાની ઉત્કંઠામાં ભારે વધારો થવા પામ્યો છે. કોરોનાના કહેર અને લોકડાઉનમાં ન્યુઝ ચેનલો, સોશ્યલ મીડીયામાં સતત અવનવા સમાચારો આવતા રહે છે. પરંતુ આ સમાચારોમાં સૌથી પહેલા બ્રેકીંગ કરવાની લ્હાયમાં ફેક ન્યુઝનું પ્રમાણ પણ વધી જતુ હોય છે. જેથી આવી કટોકટીના સમયે સાચા સમાચારો માટે લોકોમાં અખબારો મુખ્ય માધ્યમ હોવાનું એક સર્વેમાં પૂરવાર થવા પામ્યું છે. આ સર્વેમાં જોવા મળ્યું છે કે લોકડાઉન દરમ્યાન અખબારોનાં વાંચનમાં લોકો પહેલા કરતા ડબલ સમય ફાળવવા લાગ્યા છે.
અગ્રણી સર્વે કંપની એડવાન્સ ફીલ્ડ એન્ડ બ્રાન્ડ સોલ્યુશન દ્વારા દેશભરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતુ કે લોકડાઉન પહેલા વાંચકો ૩૮ મીનીટની સરેરાશથી અખબારો વાંચતા હતા જેમાં લોકડાઉન દરમ્યાન ૨૨ મિનિટનો વધારો થવા પામ્યો છે. હાલમાં દેશભરનાં વાંચકો સરેરાશ એક કલાક સુધી અખબારો વાંચવા લાગ્યા છે આ સર્વેમાં ૪૦ ટકા લોકોએ એવું જણાવ્યું લોકડાઉન પહેલા તેઓ અડધો કલાક અખબાર વાંચતા હતા હાલમાં લોકડાઉન દરમ્યાન એક કલાક કરતા વધારે સમય અખબારો વાંચવામાં વિતાવે છે. જયારે ૧૬ ટકા લોકોનો લોકડાઉન પહેલા અને દરમ્યાન અખબારો વાંચવા માટે જેટલો સમય ફાળતા એટલો જ સમય ફાળવે છે.
લોકડાઉન દરમ્યાન અખબારો વાંચવામાં ૩૦ મિનિટ કરતા વધારે સમય આપનારાઓની ટકાવારી ૭૨ ટકાએ પહોચી જવા પામી છે. લોકડાઉન પહેલા આ ટકાવારી ૪૨ ટકા હતી લોકડાઉન પહેલા ૧૫ મિનિટ જેટલો જ સમય અખબારો વાંચવામાં આપતા લોકોની સંખ્યા ૩ ટકા જેટલી હતી તેમાં લોકડાઉન દરમ્યાન ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં અખબારો વાંચવા માટે ૧૫ મિનિટ જેટલો સમય કાઢનારાની સંખ્યા ૧૪ ટકાએ પહોચી જવા પામી છે. જયારે ૮૨ ટકા વાંચકો એવા જોવા મળ્યા હતા કે તેઓ એક જ સમયે અખબાર વાંચવાના બદલે સવારથી રાત્રી સુધી ગમે ત્યારે સમય મળ્યે અખબાર વાંચતા રહે છે. આ સર્વે પરથી એવું ફલીત થાય છે કે બદલાતા સમય વચ્ચે પણ અખબારો અને વાંચકોના સંબંધો મજબુત પૂરવાર થયા છે. અને કટોકટી જેવા સમયમા સમાચારનું સૌથી વિશ્ર્વસનીય સ્ત્રોત અખબાર જ છે.
પત્રકારોને રૂ.૧૦ લાખનું વીમાકવચ પૂરૂ પાડતી હરિયાણા સરકાર
દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામેના એક જંગમાં મેડીકલ, પોલીસ, સહિતના સરકારી તંત્રો સતત કાર્યરત છે. આવા મેડીકલ ઈમરજન્સીના સમયમાં લોકશાહીમાં ચોથી જાગીર ગણાતા પત્રકારો પણ સતત પોતાના ફીલ્ડમાં રહીને કોરોના વાયરસના સંક્રમણ અને તંત્રની કાર્યવાહી અંગેના સમાચારો સતત પ્રસિધ્ધ કરીને લોકોને માહિતગાર કરતા રહે છે.તાજેતરમાં મુંબઈ અને ચેન્નઈનાં અનેક પત્રકારોમાં કોરોના વાયરસનં સંક્રમણ જોવા મળ્યું હતુ જેથી કોરોના સામેના જંગમાં પત્રકારોને પણ સરકાર સુરક્ષા કવચ પૂરૂ પાડે તેવી માંગ પત્રકાર આલમમાં ઉઠવા પામી હતી.
જેથી હરિયાણા સરકારે કોરોના વાયરસના કહેર વચ્ચે ફીલ્ડમાં કાર્યરત પત્રકારોને ૧૦ લાખ રૂા.નું વિમા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કરતા જણાવ્યુંં હતુ કે કોરોનાના સંક્રમણ વચ્ચે રીપોર્ટીંગ કરતા તમામ પત્રકારોને રાજય સરકારે ૧૦ લાખ રૂા.નો વિમો આપશે. આ પહેલા ૨૧મી એપ્રિલે પશ્ર્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે પત્રકારોને કોરોના સામેના જંગમાં સુરક્ષા કવચ આપવાની જાહેરાત કરી હતી.