- નુહ અને જામતારાથી શરૂ થયેલું સાયબર ફ્રોડ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચતા તંત્ર ‘લાચાર’
વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે આ વર્ષમાં સાયબર ગઠીયાઓને બખ્ખા થઇ ગયાં છે. એક અહેવાલ અનુસાર ભારતીયો દર મિનિટે દોઢ લાખ રૂપિયા ગુમાવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, અગાઉ સાયબર ફ્રોડ જામતારા જેવા વિસ્તારનાં બેરોજગારો દ્વારા કરવામાં આવતું હતું પણ હવે આ ફક્ત નુહ કે જામતારા પૂરતું સીમિત રહ્યું નથી. હવે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર દ્વારા સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે. જેમને શોધવા હવે લોઢાનાં ચણા ચાવવા સમાન બનતું જઈ રહ્યું છે.
સાયબર સુરક્ષા નિષ્ણાત અને એથેનિયન ટેક લિમિટેડના સીઈઓ કનિષ્ક ગૌરનાં જણાવ્યા અનુસાર હવે કૌભાંડનું સરેરાશ હજારોથી વધીને લાખો અને કરોડો થઈ ગયું છે. એક સાયબર ક્રાઇમ અધિકારીએ અંદાજ લગાવ્યો હતો કે, ભારતીયો દર મિનિટે ઓનલાઇન ફ્રોડમાં રૂ.1.50 લાખ ગુમાવી રહ્યા છે. સાયબર સુરક્ષા નિષ્ણાત રક્ષિત ટંડનનાં જણાવ્યા અનુસાર હવે સાયબર ફ્રોડ કોઈ આશ્ચર્યજનક બાબત નથી, ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને દિવસમાં એકાદ વાર આવા કોલ્સ ન આવતા હોય. ડિજિટલ અરેસ્ટ સહિતના કિમીયા હેઠળ ગઠીયાઓ લોકોને છેતરી રહ્યા છે.
સાયબર ફ્રોડનું કદ એટલી હદે વધી ગયું છે કે તેઓ પોતાના પ્રચાર માટે સેલિબ્રિટીનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગત ઓક્ટોબરમાં જ પોલીસે એલ્વિશ યાદવ અને ભારતી સિંહ જેવા સોશિયલ મીડિયા પ્રભાવકોને એક નકલી મોબાઇલ એપ્લિકેશનનો પ્રચાર કરવા બદલ સમન્સ પાઠવ્યા હતા. જેમાં મહિનામાં 90% સુધીના અવાસ્તવિક રીતે ઊંચા વળતરનું વચન આપવામાં આવ્યું હતું.
છેલ્લા બે મહિનામાં ડિજિટલ છેતરપિંડી સાથે જોડાયેલા 1,700 થી વધુ સ્કાયપ આઈડી અને 59,000 વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે. આ મહિને, કાર્યવાહીમાં 6.7 લાખ સિમ કાર્ડ અને 1.32 લાખ આઈએમઈઆઈ બ્લોક કરવામાં આવ્યા હતા. પરંતુ ખોવાયેલા પૈસા પાછા મેળવવાનું ભાગ્યે જ બને છે.