આત્મનિર્ભર લોનની જાહેરાત લોલીપોપ હોવાનું જણાવી મુખ્યમંત્રીને પત્ર લખી વાસ્તવિક ચિત્ર રજુ કરતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી
બેન્કો પોતાની પાસે લોન આપવાના રૂપિયા નહી હોવાનું જણાવતા લોન લેવા ઇચ્છનારાની હાલત થાય છે કફોડી
લોકડાઉન ખુલ્યા પછી લોકો પોતાનો ધંધો કે વ્યવસાય ફરીથી શરુ કરી શકે તેવા હેતુથી રાજય સરકારે આત્મનિર્ભર ગુજરાન લોન યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન ર ટકાના દરે આપવાની જાહેરાત કરી છે પરંતુ આ જાહેરાત માત્ર એક પ્રકારની લોલીપોપ જ હોવાનું પ્રતિત થઇ રહ્યું છે અને લોકોને રૂપિયને બદલે હાલાકી જ મળી રહી છે તેવું પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને રાજકોટના યુવા નેતા ડો. દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે.
ડો. દિનેશ ચોવટીયાએ જણાવ્યું છે કે, લોનના ફોર્મ આપવાના પ્રથમ દિવસથી જ લોકોની પરેશાની શરૂ થઇ ગઇ છે. અને હજુ લોકો ધકકા ખાઇ રહ્યા છે. પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, જે તે બેન્કની બ્રાન્ચ ઉપરથી ફોર્મ મળશે તેથી લોકો સવારથી સહકારી બેંકોની બહાર લાઇન લગાવીને ઉભા રહી ગયા હતા. આ લોન ઇચ્છુક લોકોને મોડેથી એમ કહેવામાં આવ્યું કે, ફોર્મ ઓનલાઇન મળી જશે.
યોગ્ય માર્ગદર્શનના અભાવે લોકોના તોલા ભેગા થઇ ગયા હતા અને સોશ્યિલ ડિસ્ટન્સીંગ પણ જળવાયું ન હતું. આટલું અધરું હોય તેમ હવે કેટલીક બેન્કોએ પોતાની પાસે આ લોન આપવાના રૂપિયા નહી હોવાનું જણાવ્યું છે તેથી લોન લેવા ઇચ્છતા લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. ભાજપના કેટલાક કાર્યકરો અને આગેવાનો જ આ રીતે લોન આપવી શકય નથી તેવું જણાવી રહ્યા હોવાથી લોકોની મુંઝવણમાં વધારો થયો છે. જેને લોનના ફોર્મ મળી ગયા છે તેમની પાસે બે સઘ્ધર જામીન ઉ૫રાંત ધંધાના સ્થળનો દસ્તાવેજ પણ માંગવામાં આવે છે. આ બધી જરૂરિયાત પુરી કરો તો પણ એક લાખ રૂપિયાની પુરી લોન આપવામાં આવશે કે કેમ તેની કોઇ ગેરેન્ટી નથી આપવામાં આવતી આ બધી જોગવાઇઓ અત્યારે કોરોનના વાતાવરણમાં લોકોને લશ્કરી સમાન લાગી રહી છે.
ડો. દિનેશ ચોવટીયાએ આ પત્રમાં એમ પણ કહ્યું છે કે, ત્રણ ત્રણ મહિના ધંધો બંધ રહ્યા પછી હવે લોકોને રૂપિયાની તાતી જરૂર છે ત્યારે આ લોનના નાણા તાત્કાલીક આપવાને બદલે છેક નવેમ્બરમાં આપવામાં આવશે એવું જણાવાયું છે.
અત્યારે નાના ધંધાર્થીઓ પાસે હાથ ઉપર રૂપિયા નથી અને માર્કેટમાં કોઇ ધરાકી નથી આવી સ્થિતિનું ભરણપોષણ કરવું પણ દોહ્મલું થઇ ગયું છે ત્યારે સરકારે આ બાબતને ઘ્યાનમાં રાખીને નિયમો હળવા કરવા જોઇએ અને તાકીદે લોન આપવી જોઇએ.